ઇથોપિયામાં બંધક બનાવાયેલા ગુજરાતના ત્રણ લોકો ભારત પરત, ખંડણી ચૂકવ્યા વિના થઈ મુક્તિ

ઇથોપિયામાં બંધક બનાવાયેલા ગુજરાતના ત્રણ લોકો ભારત પરત, ખંડણી ચૂકવ્યા વિના થઈ મુક્તિ

ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચાડવાની લાલચ આપીને એજન્ટોના સંપર્કમાં આવેલા ગુજરાતના ત્રણ લોકો ઇથોપિયામાં બંધક બનાવાયા બાદ સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છે. મહેસાણા અને ગાંધીનગરના આ ત્રણેય લોકોને છોડાવવા માટે તેમના પરિવારજનો પાસેથી આશરે રૂ. 1 કરોડની ખંડણી માગવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી.

ભારતીય વિદેશ મંત્રાલય અને સ્થાનિક પોલીસ તંત્ર વચ્ચે થયેલા સંકલન બાદ ત્રણેય લોકોને કોઈ ખંડણી ચૂકવ્યા વિના મુક્ત કરાવવામાં આવ્યા હતા.

ત્રણેય લોકો મુંબઈ એરપોર્ટ પહોંચ્યા

1 ઓક્ટોબરની વહેલી સવારે ઇથોપિયાથી ફ્લાઇટ મારફતે ત્રણેય લોકો મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા. તેમાં મહેસાણાના વડસ્માના ઋત્વિક જનસારી, ગોઝારિયાની મમતા ચાવડા અને ગાંધીનગરની મયુરીનો સમાવેશ થાય છે.

મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા બાદ પરિવારજનો તેમને લેવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ મહેસાણા તરફ રવાના થયા હતા. પરિવારજનોએ આ મામલે વધુ વિગતો આપવાનું ટાળ્યું હતું.

પરિવાર પાસે રૂ. 1 કરોડની ખંડણી માગ્યાનો આક્ષેપ

મળતી માહિતી મુજબ, અમેરિકા મોકલવાના વચન સાથે ત્રણેય લોકો ઇથોપિયા પહોંચ્યા હતા. ત્યાં એજન્ટોના નેટવર્ક દ્વારા તેમને બંધક બનાવવામાં આવ્યા હતા અને મુક્તિ માટે પરિવારજનો પાસેથી મોટી રકમની માંગ કરવામાં આવી હતી.

આ મામલો સામે આવ્યા બાદ ભારતીય તંત્ર દ્વારા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી હતી.

વિદેશ મંત્રાલય અને પોલીસ વચ્ચે સંકલન

મહેસાણા જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ, સ્થાનિક પોલીસ સતત ભારત સરકારના વિદેશ મંત્રાલયના સંપર્કમાં રહી હતી. જરૂરી દસ્તાવેજો અને માહિતી મોકલીને સંબંધિત તંત્ર સાથે સંકલન કરવામાં આવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, અપહરણકારો સાથે વાતચીત દરમિયાન પરિવારની આર્થિક સ્થિતિ અંગે પણ તેમને જાણ કરવામાં આવી હતી. ભારતીય અધિકારીઓ દ્વારા કાયદાકીય કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરવામાં આવતા સમગ્ર મામલે દબાણ ઊભું થયું હતું.

આ સંકલનના પરિણામે ત્રણેય લોકોને ખંડણીની રકમ ચૂકવ્યા વિના મુક્ત કરાવવામાં સફળતા મળી હોવાનું પોલીસનું કહેવું છે.

પરિવારને મળી મોટી રાહત

ત્રણેય લોકો સુરક્ષિત રીતે ભારત પરત ફરતા તેમના પરિવારજનોમાં રાહતનો માહોલ છે. ઋત્વિક જનસારીના દાદા કનુભાઈએ જણાવ્યું હતું કે ત્રણેય લોકો મુંબઈ પહોંચી ગયા છે અને મહેસાણા તરફ આવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, મુક્તિ માટે પરિવાર તરફથી કોઈ રકમ ચૂકવવામાં આવી નથી.

સ્થાનિક એજન્ટોના નેટવર્કની તપાસ શરૂ

સમગ્ર ઘટનામાં ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલવાના કૌભાંડની આશંકાને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. લાંઘણજ પોલીસે વડોદરા અને મહેસાણા સાથે જોડાયેલા સ્થાનિક એજન્ટોની ભૂમિકા અંગે તપાસ હાથ ધરી છે.

પોલીસ હવે ત્રણેય લોકોને ઇથોપિયા સુધી કેવી રીતે મોકલવામાં આવ્યા, તેમાં કોણ-કોણ સંડોવાયેલું હતું અને વિદેશમાં રહેલા લોકો સાથે આ નેટવર્કના શું સંપર્કો છે તે અંગે તપાસ કરી રહી છે. માનવ તસ્કરી અને ગેરકાયદેસર વિદેશ મોકલવાના નેટવર્ક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.