ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવો વળાંક: તથ્ય પટેલના પાંચેય મિત્રો કોર્ટમાં નિવેદનથી ફરી ગયા
અમદાવાદના બહુચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસની સુનાવણી દરમિયાન નવો વળાંક આવ્યો છે. કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલની જેગુઆર કારમાં અકસ્માત સમયે સવાર રહેલા પાંચેય મિત્રો કોર્ટમાં કારની ઝડપ અંગે અગાઉ આપેલા નિવેદનથી ફરી ગયા છે. જોકે, સાક્ષીઓના આ બદલાયેલા વલણથી કેસ નબળો પડવાની શક્યતા ઓછી હોવાનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે તપાસ એજન્સી પાસે અનેક ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ છે.
મેજિસ્ટ્રેટ સમક્ષ એક નિવેદન, કોર્ટમાં બદલાયો જવાબ
અકસ્મત સમયે કારમાં હાજર માલવિકા પટેલ, શાન સોની, ધ્વનિ પંચાલ, આર્યન પંચાલ અને શ્રેયા પટેલે અગાઉ CrPCની કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તથ્ય પટેલ ખૂબ જ ઝડપથી કાર ચલાવી રહ્યો હતો. તેમણે તેને કાર ધીમી ચલાવવા માટે ટોક્યો હોવા છતાં તેણે વાત માની નહોતી.
પરંતુ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ટ્રાયલ દરમિયાન આ પાંચેય સાક્ષીઓએ કારની ઝડપ અંગે અલગ નિવેદન આપ્યું હતું. સરકારી વકીલે અગાઉના પોલીસ નિવેદનોને આધારે સવાલ કરતાં સાક્ષીઓએ કાર પૂરઝડપે ન હોવાનો દાવો કર્યો હતો. આથી પાંચેય સાક્ષીઓને હોસ્ટાઇલ જાહેર કરવામાં આવ્યા છે.
140 કિમીની ઝડપના ટેકનિકલ પુરાવા મહત્વના
સાક્ષીઓ નિવેદનથી ફરી ગયા હોવા છતાં તપાસમાં એકત્ર કરાયેલા ટેકનિકલ પુરાવા કેસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અકસ્માત સમયે એક બાઈકચાલકના કેમેરામાં સમગ્ર ઘટના રેકોર્ડ થઈ હતી. આ ફૂટેજની ફ્રેમ-ટુ-ફ્રેમ તપાસ કરીને કારની ઝડપનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત FSL રિપોર્ટ, RTOની તપાસ, જેગુઆર કંપનીના ટેકનિકલ ડેટા અને કારની એન્ટી-બ્રેકિંગ સિસ્ટમના વિશ્લેષણમાં અકસ્માત સમયે કાર આશરે 140 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી હોવાનું સામે આવ્યું છે.
અત્યાર સુધી 36 સાક્ષીઓની જુબાની
આ કેસમાં અંદાજે 190 સાક્ષીઓની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાંથી અત્યાર સુધી 36 સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ છે. હજુ RTO ઇન્સ્પેક્ટર, FSLના અધિકારીઓ, જેગુઆર કંપનીના ટેકનિકલ રિપોર્ટ તૈયાર કરનારા કર્મચારીઓ અને અન્ય પ્રત્યક્ષદર્શીઓની જુબાની લેવાની બાકી છે.
કાયદાકીય પ્રક્રિયા મુજબ, સાક્ષીઓ અગાઉના નિવેદનથી ફરી જાય તો તેમના નિવેદનો અને અન્ય પુરાવાઓનું મૂલ્યાંકન કરીને કોર્ટ અંતિમ ચુકાદા સમયે યોગ્ય નિર્ણય લઈ શકે છે. સાક્ષીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી કે નહીં તે પણ કોર્ટ નક્કી કરી શકે છે.
શું હતી 19 જુલાઈની એ ભયાનક રાત?
19 જુલાઈ, 2023ની મોડી રાત્રે અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. તથ્ય પટેલ પૂરઝડપે જેગુઆર કાર ચલાવી રહ્યો હોવાનો આરોપ છે. કારની અડફેટે અનેક લોકો આવતાં કુલ 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ભારે ચકચાર મચાવી હતી.
અકસ્મત બાદ તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને તેને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી જેલમાં રહ્યા બાદ તેને જામીન મળ્યા હતા.
હવે આ કેસમાં પાંચેય મિત્રોના બદલાયેલા નિવેદનો અને બીજી તરફ ઉપલબ્ધ વૈજ્ઞાનિક પુરાવાઓ વચ્ચે કોર્ટની આગળની કાર્યવાહી મહત્વપૂર્ણ બની રહેશે. અંતિમ ચુકાદા માટે તમામ સાક્ષીઓની જુબાની અને પુરાવાઓનું મૂલ્યાંકન નિર્ણાયક સાબિત થઈ શકે છે.