IPL 2027 પહેલાં CSK અને SRH વચ્ચે મોટી ટ્રેડ ડીલ, ચાર ખેલાડીઓની અદલાબદલી

IPL 2027 પહેલાં CSK અને SRH વચ્ચે મોટી ટ્રેડ ડીલ, ચાર ખેલાડીઓની અદલાબદલી

IPL 2027ના મેગા ઓક્શન પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મહત્વપૂર્ણ ટ્રેડ ડીલ થઈ છે. બંને ફ્રેન્ચાઇઝીએ કુલ ચાર ખેલાડીઓની અદલાબદલી કરી છે. આ ટ્રેડ બાદ ઇંગ્લેન્ડના વિસ્ફોટક ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટન અને ઓસ્ટ્રેલિયાના જેક એડવર્ડ્સ હવે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતા જોવા મળશે. જ્યારે ઝડપી બોલર ખલીલ અહમદ અને ઓસ્ટ્રેલિયન પેસર નાથન એલિસ હૈદરાબાદની ટીમમાં સામેલ થયા છે.

BCCI દ્વારા ગુરુવારે આ ટ્રેડની સત્તાવાર જાણકારી આપવામાં આવી હતી. આ ટ્રેડમાં ખેલાડીઓની વર્તમાન ફી યથાવત રાખવામાં આવી છે. લિયામ લિવિંગસ્ટન 6 કરોડ રૂપિયા અને જેક એડવર્ડ્સ 3 કરોડ રૂપિયાની ફી સાથે CSKમાં જોડાયા છે. બીજી તરફ ખલીલ અહમદ 4.8 કરોડ રૂપિયા અને નાથન એલિસ 2 કરોડ રૂપિયાની ફી સાથે SRHનો ભાગ બન્યા છે.

લિયામ લિવિંગસ્ટન અને જેક એડવર્ડ્સથી CSKને મળશે મજબૂતી

સનરાઇઝર્સ હૈદરાબાદે અગાઉના ઓક્શનમાં લિયામ લિવિંગસ્ટનને 13 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, હવે તે 6 કરોડ રૂપિયાની વર્તમાન ફી સાથે ચેન્નઈની ટીમમાં જોડાયો છે. લિવિંગસ્ટન પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. આ ઉપરાંત તે ઓફ સ્પિન અને લેગ સ્પિન બોલિંગ કરવાની ક્ષમતા પણ ધરાવે છે.

બીજી તરફ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર જેક એડવર્ડ્સને પણ CSKએ પોતાની ટીમમાં સામેલ કર્યો છે. હૈદરાબાદે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ પહેલાં સાઇન કર્યો હતો. જોકે, પગની ઈજાના કારણે તે IPL 2026માં એક પણ મેચ રમી શક્યો નહોતો.

ખલીલ અહમદ ફરી હૈદરાબાદની ટીમમાં પરત ફર્યો

ખલીલ અહમદ અગાઉ પણ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી ચૂક્યો છે. વર્ષ 2018થી 2021 દરમિયાન તે આ ટીમનો ભાગ હતો. IPL 2025માં તેણે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી 14 મેચમાં 15 વિકેટ ઝડપી હતી.

જોકે, IPL 2026 દરમિયાન જમણી હેમસ્ટ્રિંગની ઈજાને કારણે તે માત્ર પાંચ મેચ રમ્યા બાદ સમગ્ર સીઝનમાંથી બહાર થઈ ગયો હતો. હવે ટ્રેડ ડીલ બાદ તે ફરી હૈદરાબાદની જર્સીમાં જોવા મળશે.

નાથન એલિસ ડેથ ઓવર્સમાં સંભાળશે જવાબદારી

ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર નાથન એલિસ પણ હવે સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાયો છે. તે પોતાની વિવિધ પ્રકારની બોલિંગ અને ડેથ ઓવર્સમાં અસરકારક પ્રદર્શન માટે ઓળખાય છે. તેના આગમનથી હૈદરાબાદના ઝડપી બોલિંગ વિભાગને વધુ વિકલ્પ મળી શકે છે.

16 ડિસેમ્બરે ગોવામાં IPL 2027નું ઓક્શન

IPL 2027 માટે ખેલાડીઓનું ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં યોજાવાનું છે. આ પહેલાં તમામ 10 ફ્રેન્ચાઇઝીએ 17 નવેમ્બર સુધીમાં પોતાના રિટેન કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરવાની રહેશે.

આ ટ્રેડ ડીલ બાદ હવે ઓક્શન પહેલાં CSK અને SRHની ટીમના સમીકરણોમાં ફેરફાર જોવા મળશે. આગામી સીઝનમાં બંને ટીમો નવા ખેલાડીઓ સાથે કેવું પ્રદર્શન કરે છે તેના પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.