સૌથી વધુ રન, છગ્ગા, સદી અને 200+ સ્કોરના રેકોર્ડ્સ તૂટ્યા; IPL 2026 બની બેટ્સમેનોની સૌથી સફળ સિઝન
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 19મી સિઝન ક્રિકેટ ચાહકો માટે યાદગાર બની રહી છે. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન બેટ્સમેનોના પ્રભુત્વે 18 વર્ષના IPL ઇતિહાસના અનેક મોટા રેકોર્ડ્સને ધ્વસ્ત કરી નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. સૌથી વધુ રન, સૌથી વધુ છગ્ગા, સૌથી વધુ સદી અને 200થી વધુના સ્કોર જેવા અનેક આંકડાઓએ આ સિઝનને IPL ઇતિહાસની સૌથી વિસ્ફોટક સિઝન બનાવી દીધી છે.
આ સિઝનમાં તમામ ટીમોએ મળીને કુલ 27,450 રન નોંધાવ્યા હતા, જે IPLના કોઈપણ અગાઉના સત્ર કરતાં સૌથી વધુ છે. સાથે જ પ્રતિ વિકેટે 31.26 રનની સરેરાશ અને પ્રતિ ઓવર 9.88ના રન રેટે સ્પષ્ટ કર્યું છે કે આખી સિઝન દરમિયાન બોલરો કરતાં બેટ્સમેનોનું જ વર્ચસ્વ રહ્યું હતું. ચોગ્ગા અને છગ્ગાના મામલે પણ નવા રેકોર્ડ્સ નોંધાયા હતા. સમગ્ર ટૂર્નામેન્ટમાં કુલ 2,332 ચોગ્ગા અને 1,426 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા, જે IPLના ઇતિહાસમાં સર્વોચ્ચ છે.
IPL 2026માં હાઈ-સ્કોરિંગ મેચોની ભરમાર જોવા મળી હતી. ટીમોએ કુલ 65 વખત 200થી વધુનો સ્કોર નોંધાવ્યો હતો, જ્યારે 17 વખત 200થી વધુના લક્ષ્યાંકોનો સફળતાપૂર્વક પીછો કરીને જીત મેળવી હતી. આ બંને આંકડા IPLના ઇતિહાસમાં નવા રેકોર્ડ તરીકે નોંધાયા છે. ઉપરાંત સમગ્ર સિઝનમાં કુલ 15 સદીઓ ફટકારાઈ હતી, જે એક જ સિઝનમાં નોંધાયેલી સૌથી વધુ સદીઓનો રેકોર્ડ છે.
આ તમામ રેકોર્ડ્સ વચ્ચે સૌથી વધુ ચર્ચામાં રાજસ્થાન રોયલ્સનો યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી રહ્યો હતો. વૈભવે પોતાની આક્રમક બેટિંગથી સમગ્ર ટૂર્નામેન્ટમાં ધૂમ મચાવી હતી અને એક જ સિઝનમાં 72 છગ્ગા ફટકારીને નવો ઇતિહાસ રચ્યો હતો. આ પહેલાં એક સિઝનમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ક્રિસ ગેઇલના નામે હતો.
બીજી તરફ IPLના ઇતિહાસમાં પ્રથમ વખત એક જ સિઝનમાં ત્રણ બેટ્સમેનોએ 700થી વધુ રન બનાવવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. વૈભવ સૂર્યવંશી, શુભમન ગિલ અને સાઈ સુદર્શન આ સિદ્ધિ મેળવનારા ખેલાડીઓ બન્યા હતા. તેમની શાનદાર બેટિંગના કારણે IPL 2026ને ક્રિકેટ ઇતિહાસની સૌથી સફળ અને રેકોર્ડબ્રેકિંગ સિઝન તરીકે જોવામાં આવી રહી છે.
એકંદરે IPL 2026એ સાબિત કરી દીધું છે કે આધુનિક T-20 ક્રિકેટ હવે સંપૂર્ણપણે બેટ્સમેનોની રમત બની રહી છે. રેકોર્ડ્સના વરસાદ અને રોમાંચક મેચોના કારણે આ સિઝન લાંબા સમય સુધી ક્રિકેટપ્રેમીઓના મનમાં અંકિત રહેશે.