ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. Board of Control for Cricket in India (BCCI) એ 28 માર્ચથી શરૂ થનારી Indian Premier League 2026 માટે 7 નવા નિયમો જાહેર કર્યા છે. IPLની 19મી સીઝનમાં ભાગ લેતી તમામ 10 ટીમોને આ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. આ નવા નિયમો ખાસ કરીને મેચ કરતા વધુ ટીમોની પ્રેક્ટિસ, ટ્રેનિંગ અને ખેલાડીઓની વ્યવસ્થા સાથે જોડાયેલા છે, જેના કારણે ટુર્નામેન્ટમાં વધુ વ્યવસ્થિતતા અને સ્પર્ધાત્મકતા જોવા મળશે.
નવા નિયમો અનુસાર, હવે કોઈ પણ ટીમને મેચના દિવસે પ્રેક્ટિસ કે ટ્રેનિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, જ્યારે પ્રેક્ટિસ મેચો પર પણ મર્યાદા મુકાઈ છે. ટીમો વધુમાં વધુ બે પ્રેક્ટિસ મેચ જ રમી શકશે અને તે માટે પણ BCCIની પૂર્વ મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત, પ્રેક્ટિસ નેટ્સ શેર કરવાની પરંપરા પણ હવે બંધ કરવામાં આવી છે, એટલે દરેક ટીમને પોતાની અલગ નેટ્સ આપવામાં આવશે.
આ સાથે, હોમ ટીમ જે પીચ પર પોતાની પ્રથમ મેચ રમવાની હોય તે પીચ પર ચાર દિવસ અગાઉથી પ્રેક્ટિસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટીમોને પ્રેક્ટિસ માટે અલગ વિકેટ આપવામાં આવશે, જેમાં હોમ ટીમને પ્રથમ પસંદગી મળશે. જો ટીમો એકબીજાની તરત બાદ પ્રેક્ટિસ કરે તો દરેક વખતે નવી તૈયાર પીચ આપવામાં આવશે, જેથી પિચની ગુણવત્તા જળવાઈ રહે.
ખેલાડીઓના જીવનશૈલી સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ખેલાડીઓના પરિવારજનો અને મિત્રો સાથે પ્રવાસ કરવાની મંજૂરી નહીં હોય અને ખેલાડીઓને ટીમ બસનો જ ઉપયોગ કરવો ફરજિયાત રહેશે. સાથે જ મેદાન પર લાગેલા LED બોર્ડ પાસે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને બેસવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ તમામ નિયમો IPL 2026ને વધુ સુવ્યવસ્થિત અને સ્પર્ધાત્મક બનાવવાના હેતુથી લાગુ કરવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ટીમો આ નવા નિયમોને કેવી રીતે અપનાવે છે અને આ ફેરફારો ટુર્નામેન્ટના રોમાંચ પર કેટલો પ્રભાવ પાડે છે.