Instagram પર પેઈડ જાહેરાતોને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. બાળકોના જાતીય શોષણ અને દુર્વ્યવહાર સંબંધિત ગેરકાયદે કન્ટેન્ટના પ્રચારના આરોપોને પગલે કેન્દ્ર સરકારે મેટાને કડક નોટિસ ફટકારી છે.
સરકારના જણાવ્યા અનુસાર, કેટલીક પેઈડ જાહેરાતો મારફતે યુઝર્સને એવા બાહ્ય પ્લેટફોર્મ તરફ દોરી જવામાં આવતા હોવાના આક્ષેપ છે, જ્યાં બાળકોના જાતીય શોષણ સંબંધિત ગેરકાયદે સામગ્રી ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે કેન્દ્ર સરકારે આવા તમામ કન્ટેન્ટ અને જાહેરાતો તાત્કાલિક દૂર કરવા તથા સાત દિવસમાં વિગતવાર જવાબ આપવા મેટાને નિર્દેશ આપ્યો છે.
સરકારે ચેતવણી આપી છે કે જો સમયસર સંતોષકારક જવાબ નહીં મળે, તો આઈટી એક્ટ અને પોક્સો કાયદા હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે.
બીજી તરફ, મેટાએ સ્પષ્ટ કર્યું છે કે કંપની બાળકોના જાતીય શોષણ સંબંધિત કન્ટેન્ટ સામે 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આવા કન્ટેન્ટને શોધવા અને દૂર કરવા માટે અદ્યતન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને વિશેષ સુરક્ષા ટીમો સતત કાર્યરત છે.
હાલ સમગ્ર મામલે સરકાર અને મેટા વચ્ચે આગળની કાર્યવાહી પર સૌની નજર છે.