27 નવેમ્બરે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ; અપારશક્તિ ખુરાનાનો ખતરનાક વિલન અવતાર બન્યો ટ્રેલરનું સૌથી મોટું આકર્ષણ
બોલિવૂડમાં રોમેન્ટિક અંદાજ અને એક્શન માટે જાણીતા અભિનેતા ઇમરાન હાશ્મી ફરી એકવાર મોટા પડદા પર ધમાકો કરવા તૈયાર છે. તેની આગામી એક્શન-થ્રિલર ફિલ્મ ‘ગનમાસ્ટર G9’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં ઇમરાન હાશ્મીનો અત્યાર સુધીનો અલગ અને પાવરફુલ એક્શન અવતાર જોવા મળી રહ્યો છે. એક્શન, સસ્પેન્સ, ઇમોશન્સ અને રોમાન્સથી ભરપૂર આ ટ્રેલરે ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધારી છે.
પ્રેમ અને પરિવાર માટે દુશ્મનો સામે ટકરાશે ઇમરાન
આદિત્ય દત્તના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી એક એવા પાત્રમાં જોવા મળશે, જે પોતાના પ્રેમ અને પરિવારની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. ટ્રેલરની શરૂઆતથી જ હાઈ-વોલ્ટેજ એક્શન અને રહસ્યમય ઘટનાઓની ઝલક જોવા મળે છે. ફિલ્મમાં જેનિલિયા ડીસૂઝા લીડ એક્ટ્રેસ તરીકે છે. ઇમરાન અને જેનિલિયાની રોમેન્ટિક કેમિસ્ટ્રી પણ ટ્રેલરમાં જોવા મળે છે, જે દર્શકોને ઇમરાનની જૂની રોમેન્ટિક ફિલ્મોની યાદ અપાવે છે.
અપારશક્તિ ખુરાનાનો વિલન અવતાર ચર્ચામાં
ફિલ્મના ટ્રેલરનું સૌથી મોટું સરપ્રાઈઝ અપારશક્તિ ખુરાનાનો નવો અવતાર છે. અત્યાર સુધી હળવા અને કોમિક પાત્રો માટે જાણીતા અપારશક્તિ આ ફિલ્મમાં ખતરનાક વિલનની ભૂમિકામાં જોવા મળશે. તેનો લુક અને ઇમરાન હાશ્મી સાથેનો સામનો ટ્રેલરમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. બંને કલાકારો વચ્ચેની ટક્કર ફિલ્મમાં એક્શન અને સસ્પેન્સને નવી ઊંચાઈ આપશે તેવી અપેક્ષા છે.
જૂની સફળ જોડી ફરી સાથે આવી
ઇમરાન હાશ્મી અને દિગ્દર્શક આદિત્ય દત્ત અગાઉ ‘આશિક બનાયા આપને’ અને ‘દિલ દિયા હૈ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. હવે લાંબા સમય બાદ બંને ફરી એકવાર સાથે આવ્યા છે. ફિલ્મનું સંગીત હિમેશ રેશમિયાએ તૈયાર કર્યું છે. ખાસ વાત એ છે કે ફિલ્મમાં એક્શનની સાથે રોમેન્ટિક મ્યુઝિકનો પણ સમન્વય જોવા મળશે.
27 નવેમ્બરે થશે રિલીઝ
દીપક મુકુટ અને સોહમ રોકસ્ટાર એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ નિર્મિત ‘ગનમાસ્ટર G9’ 27 નવેમ્બર 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ટ્રેલર રિલીઝ થયા બાદ હવે દર્શકો ઇમરાન હાશ્મીના આ નવા એક્શન અવતારને મોટા પડદા પર જોવા માટે ઉત્સુક છે. હવે જોવાનું એ રહેશે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી સફળતા મેળવે છે.