મધ્ય પૂર્વ એશિયામાં સર્જાયેલા યુદ્ધના સંકટ અને Ayatollah Ali Khameneiના મોતની ખબર બાદ ભારત સહિત વિશ્વભરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ છે. આ આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશભરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરી છે. મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખી સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવા, તેમજ ઈરાનના સમર્થન કે વિરોધમાં થનારા પ્રદર્શનો પર કડક નજર રાખવા સૂચના આપી છે.
ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય રાજકીય ઘટનાઓની સીધી અસર ભારતના વિવિધ ભાગોમાં જોવા મળી શકે છે. તેથી શાંતિ અને કોમી સૌહાર્દ જાળવવું સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે કેટલાક અસામાજિક તત્ત્વો પ્રદર્શનોની આડમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી શકે છે. આ માટે સ્થાનિક વહીવટી તંત્ર અને ગુપ્તચર એજન્સીઓને વધુ સતર્ક રહેવા, સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ તૈનાત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા ખાસ પગલાં લેવા જણાવ્યું છે.
આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર ફેલાતી ભડકાઉ પોસ્ટ્સ અને અફવાઓ સામે પણ કડક મોનિટરિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક સામગ્રી અથવા ખોટી માહિતી ફેલાવનારાઓ સામે સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ખામેનેઈના મોત બાદ દેશના કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો નોંધાયા છે. ખાસ કરીને શ્રીનગરમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જેને પગલે સાવચેતીના ભાગરૂપે મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ તાત્કાલિક સ્થગિત કરવામાં આવી અને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. પ્રદર્શનકારીઓ દ્વારા અમેરિકા અને ઇઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે હિંસા ફેલાવનારા અથવા જાહેર મિલકતોને નુકસાન પહોંચાડનારા તત્ત્વો સામે કોઈ પણ પ્રકારની ઢીલ રાખવામાં આવશે નહીં.
દેશમાં શાંતિ, એકતા અને કોમી સૌહાર્દ જાળવી રાખવું અત્યારે સૌથી મોટું લક્ષ્ય હોવાનું કેન્દ્ર સરકારે પુનરોચ્ચાર કર્યો છે, અને તમામ નાગરિકોને અફવાઓથી દૂર રહી સજાગ રહેવાની અપીલ કરી છે.