IAS બનવાનો નકલી ખેલ! અમદાવાદનો યુવક ઇન્દોરમાં ‘જિલ્લા કલેક્ટર’ બની ફરતો ઝડપાયો

IAS બનવાનો નકલી ખેલ! અમદાવાદનો યુવક ઇન્દોરમાં ‘જિલ્લા કલેક્ટર’ બની ફરતો ઝડપાયો

IAS બનવાનો નકલી ખેલ! અમદાવાદનો યુવક ઇન્દોરમાં ‘જિલ્લા કલેક્ટર’ બની ફરતો ઝડપાયો


કલેક્ટર બનવાની એવી ઘેલછા કે ઘરની બહાર જ લગાવી દીધી નકલી નેમપ્લેટ... અને ઘરમાં રાખી ‘સત્યમેવ જયતે’ની ફ્રેમ!

મધ્યપ્રદેશના ઇન્દોરમાં પોલીસે એક એવા યુવકની ધરપકડ કરી છે, જે પોતાને IAS અધિકારી અને જિલ્લા કલેક્ટર ગણાવીને લોકોને ગેરમાર્ગે દોરતો હતો.

આરોપીની ઓળખ 28 વર્ષીય હિમાંશુ પાંચાલ તરીકે થઈ છે. તે મૂળ અમદાવાદના સાબરમતીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને ઇન્દોરની ઓમેક્સ સિટી-1માં ભાડાના મકાનમાં રહેતો હતો.

આરોપીએ પોતાના મકાનની બહાર ‘IAS રાજ સોની, જિલ્લા કલેક્ટર’ લખેલી કાળા રંગની નકલી નેમપ્લેટ લગાવી હતી. એટલું જ નહીં, ઘરની અંદર પણ ‘સત્યમેવ જયતે’ લખેલી ફોટો ફ્રેમ રાખીને પોતે મોટો સરકારી અધિકારી હોય તેવો માહોલ ઊભો કર્યો હતો.

પરંતુ નકલી કલેક્ટરની પોલ ત્યારે ખુલી જ્યારે તે ઇન્દોરની શેરેટન હોટલમાં જમવા પહોંચ્યો. બિલ ચૂકવવાનો સમય આવ્યો ત્યારે તેણે કહ્યું કે અત્યારે તેની પાસે પૈસા નથી અને તેનો PA બે કલાકમાં આવીને પેમેન્ટ કરી દેશે.

હોટલ મેનેજમેન્ટને શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે પૂછપરછ કરી તો યુવકે પોતાને IAS અધિકારી અને જિલ્લા કલેક્ટર ગણાવ્યો. જોકે, પોસ્ટિંગ અને ઓળખ અંગેના સવાલો પૂછતાં તે સંતોષકારક જવાબ આપી શક્યો નહીં.

પોલીસે તેના ભાડાના મકાનની તપાસ કરતાં નકલી ઓળખ સાથે જોડાયેલા પુરાવા મળી આવ્યા અને આખરે તેનું સાચું નામ હિમાંશુ પાંચાલ હોવાનું સામે આવ્યું.

હિમાંશુ લગભગ એક મહિના પહેલા ઇન્દોર આવ્યો હતો અને 15 દિવસ પહેલા જ મકાનની બહાર નકલી નેમપ્લેટ લગાવી હતી. અગાઉ તે અમદાવાદની એક IT કંપનીમાં કામ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

હાલ લસૂડિયા પોલીસે BNSની કલમ 204 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. મહત્વની વાત એ છે કે આરોપી વિરુદ્ધ ગુજરાતના ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં પણ 23 મે 2026ના રોજ છેતરપિંડીનો કેસ નોંધાયો હતો.

હવે પોલીસ તપાસ કરી રહી છે કે હિમાંશુએ IAS અને જિલ્લા કલેક્ટરની નકલી ઓળખ શા માટે બનાવી? આ ઓળખનો ઉપયોગ કરીને તેણે કોઈ પાસેથી પૈસા પડાવ્યા હતા કે નહીં? અને અત્યાર સુધીમાં તેણે કેટલા લોકોને પોતાની નકલી ઓળખથી પ્રભાવિત કર્યા?

અધિકારી બન્યો નહીં, પણ અધિકારી બનવાનો સ્વાંગ રચી બેઠો... હવે પોલીસ તપાસશે કે આ નકલી કલેક્ટર પાછળનું સાચું કનેક્શન શું છે!