આણંદ : વૈશ્વિક પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ દેશની આર્થિક સુદ્રઢતા અને ઇંધણ સુરક્ષા માટે વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને ઇંધણ બચત માટે આહવાન કર્યું છે. વડાપ્રધાનશ્રીના આ રાષ્ટ્રહિતના સંકલ્પને આણંદ જિલ્લા પ્રશાસન દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશવાસીઓને કરકસર અને સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ અંગે કરવામાં આવેલી અપીલને ધ્યાને રાખી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા મહત્વપૂર્ણ પગલાંને અનુસરીને, આજરોજ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ બેઠક, દિશા કમિટી બેઠક, જિલ્લા તકેદારી સમિતિ બેઠક તથા અન્ય બેઠકો જિલ્લા અધિકારીશ્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી.
જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના દિશા નિર્દેશ મુજબ સંકલન અને ફરિયાદ સમિતિ સહિતની બેઠકોમાં જિલ્લા મથક ઉપર કાર્યરત કેટલાક સરકારી વિભાગોના અધિકારીઓ ઓફલાઈન માધ્યમથી તેમજ જિલ્લાના વિવિધ તાલુકાના અધિકારીશ્રીઓ રૂબરૂ ઉપસ્થિત રહેવાના બદલે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા હતા.
આણંદ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ ‘‘જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ’’ ની બેઠક તેમજ સાંસદ શ્રી મિતેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ ‘‘દિશા કમિટી’’ ની આ બેઠકોની સમિક્ષા ઓનલાઈન માધ્યમથી કરવામાં આવી હતી.
વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં દેશના સંસાધનોની બચત માટે જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલ આ પ્રશંસનીય પહેલના ભાગરૂપે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તેમજ ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો - ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ (દિશા) કમિટીની મહત્વની બેઠકો ઓનલાઇન માધ્યમથી યોજવામાં આવી હતી. સામાન્ય રીતે આ બેઠકોમાં ભાગ લેવા માટે આણંદ જિલ્લાના અધિકારીઓ સરકારી વાહનો દ્વારા કલેક્ટર કચેરીએ આવતા હોય છે, પરંતુ વડાપ્રધાનશ્રીના આહવાનને ઝીલીને તમામ સરકારી સભ્યો તેમની કચેરીઓમાંથી જ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
આ બેઠકોમાં થયેલ ઓનલાઇન ડિજિટલ સંવાદ દરમિયાન જિલ્લાના વિકાસલક્ષી કાર્યો, પ્રજાકીય પ્રશ્નો અને ફરિયાદોના નિવારણની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પ્રજાના કામોની ગતિ જાળવી રાખીને, રાષ્ટ્રીય સંપત્તિ એવા ઇંધણની બચત થાય તે માટે આણંદ જિલ્લા પ્રશાસનની આ પ્રેરણાદાયી પહેલને બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી હતી.