Advertisement

હવે કોર્ટના ચુકાદા AI નહીં લખે, ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

હવે કોર્ટના ચુકાદા AI નહીં લખે, ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય


ન્યાયિક પ્રક્રિયામાં ટેકનોલોજીના વધતા ઉપયોગ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ નિર્ણય લીધો છે. હાઈકોર્ટની રજીસ્ટ્રી વિભાગે જાહેર કરેલા પરિપત્ર મુજબ હવે રાજ્યની કોઈપણ અદાલતમાં ન્યાયિક નિર્ણયો લેવા અથવા જજમેન્ટ લખવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરી શકાશે નહીં.


ગુજરાત હાઈકોર્ટે જિલ્લા ન્યાયતંત્ર અને ન્યાયિક કામગીરીમાં AI ના ઉપયોગને નિયંત્રિત કરવા માટે એક વ્યાપક નીતિ જાહેર કરી છે. હાઈકોર્ટએ સ્વીકાર્યું છે કે AI ટેકનોલોજીએ ડેટા સંચાલનમાં નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે, પરંતુ ન્યાય આપવાનો મૂળભૂત અધિકાર માનવીય અંતરાત્મા, નિષ્પક્ષતા અને વ્યક્તિગત જવાબદારી પર આધારિત હોવો જોઈએ તેવું પણ સ્પષ્ટ કર્યું છે.


મહત્વપૂર્ણ ન્યાયિક પ્રક્રિયામાં AI નો ઉપયોગ પ્રતિબંધિત


નવી માર્ગદર્શિકા મુજબ અદાલતોમાં નીચેની મહત્વપૂર્ણ પ્રક્રિયાઓમાં AI નો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે:


ચુકાદા અને કોર્ટ ઓર્ડરનું ડ્રાફ્ટિંગ


જામીન અંગે વિચારણા અથવા સજાની પ્રક્રિયા


દલીલોનું મૂલ્યાંકન અને તથ્યોનું અર્થઘટન


પુરાવાઓનું વર્ગીકરણ, મૂલ્યાંકન અને વિશ્વસનીયતાની ચકાસણી


જુબાનીઓના સારાંશ અથવા વિશ્લેષણ



હાઈકોર્ટે જણાવ્યું છે કે AI સિસ્ટમ્સમાં ‘હેલ્યુસિનેશન’ અથવા ખોટી માહિતી રજૂ થવાનો જોખમ રહે છે, જેના કારણે કાલ્પનિક કાનૂની સંદર્ભો અથવા ખોટા કાયદાકીય ઉલ્લેખ પણ ઉભા થઈ શકે છે.


માનવીય જવાબદારી અને દેખરેખ ફરજિયાત


હાઈકોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે દરેક ન્યાયાધીશ તેમના નામે બહાર પડતા દરેક આદેશ માટે વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે. AI ના ઉપયોગને કોઈપણ પ્રકારની બેદરકારી અથવા ગેરવર્તણૂક માટે બચાવ તરીકે સ્વીકારવામાં આવશે નહીં.


કાનૂની સંશોધન માટે મર્યાદિત રીતે AI નો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ આવા કોઈપણ AI-જનરેટેડ માહિતીની અધિકૃત પ્રાથમિક સ્ત્રોતો સાથે ચકાસણી કરવી ફરજિયાત રહેશે.


ડેટા સુરક્ષા પર વિશેષ ભાર


હાઈકોર્ટની આ નીતિ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023 સાથે સુસંગત છે. પેન્ડિંગ કેસ સંબંધિત સંવેદનશીલ માહિતી જેમ કે:


સાક્ષીઓના નામ


આરોગ્ય સંબંધિત માહિતી


ગોપનીય કાનૂની વ્યૂહરચનાઓ



આ માહિતી કોઈપણ પબ્લિક AI ટૂલ્સમાં દાખલ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિયમોનું ઉલ્લંઘન સત્તાવાર ગેરવર્તણૂક ગણાશે અને સંબંધિત અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે.


નીતિના મુખ્ય ઉદ્દેશ્યો


ગુજરાત હાઈકોર્ટની નવી AI નીતિના મુખ્ય ઉદ્દેશ્યો નીચે મુજબ છે:


ન્યાયિક સ્વતંત્રતા: મહત્વપૂર્ણ ન્યાયિક નિર્ણયોમાં AI નો ઉપયોગ નહીં


માનવીય દેખરેખ: દરેક AI આઉટપુટની માનવી દ્વારા ચકાસણી


ચોકસાઈ અને વિશ્વસનીયતા: AI દ્વારા મળેલી માહિતીનું સ્વતંત્ર પ્રમાણિકરણ


ડેટા સુરક્ષા: ગોપનીય માહિતીનું સંરક્ષણ


ભેદભાવ રહિત વ્યવસ્થા: AI આધારિત પૂર્વગ્રહ સામે સતર્કતા



AI સાક્ષરતા માટે તાલીમ કાર્યક્રમ


હાઈકોર્ટે ચેતવણી આપી છે કે AI સિસ્ટમ્સમાં લિંગ, ધર્મ, જાતિ અથવા સામાજિક સ્થિતિ સંબંધિત પૂર્વગ્રહો હોવાની શક્યતા રહે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડમી દ્વારા નિયમિત તાલીમ કાર્યક્રમો યોજવામાં આવશે જેથી ન્યાયિક અધિકારીઓ AI ટૂલ્સની ક્ષમતાઓ અને મર્યાદાઓ વિશે પૂરતી સમજ મેળવી શકે.


નવી નીતિ તમામ પ્રકારની AI સિસ્ટમ્સ પર લાગુ પડશે, જેમાં ChatGPT, Gemini જેવા જનરેટિવ AI મોડલ્સ, સંશોધન પ્લેટફોર્મ્સ, અનુવાદ સાધનો અને predictive analytics જેવા સાધનોનો સમાવેશ થાય છે.

Advertisement