ચારધામ યાત્રા પર જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. યાત્રાની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે શ્રદ્ધાળુઓને વધુ સુગમ અને સુરક્ષિત મુસાફરીની સુવિધા આપવા માટે ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (UCADA) દ્વારા કેદારનાથ ધામ માટે હેલી શટલ સેવા માટે ઓપરેટરોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.
08 હેલિકોપ્ટર ઓપરેટરોની પસંદગી
પારદર્શક ટેન્ડર પ્રક્રિયા દ્વારા કુલ 08 હેલિકોપ્ટર ઓપરેટરોની પસંદગી કરવામાં આવી છે. આ ઓપરેટરોને વિવિધ હેલીપેડ કેન્દ્રો પર તૈનાત કરવામાં આવશે. જેમાં ગુપ્તકાશીથી 2, ફાટાથી 4 અને સિરસીથી 2 ઓપરેટરોને સેવા સંચાલનની જવાબદારી સોંપવામાં આવી છે. આ સેવાથી યાત્રાળુઓને કેદારનાથ સુધી ઝડપથી પહોંચવાની સુવિધા મળશે.
હેલી સેવા માટે નક્કી કરાયેલા ભાડાના દર
યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને એકતરફી ભાડું નક્કી કરવામાં આવ્યું છે.
ગુપ્તકાશી થી કેદારનાથ – ₹6,077
ફાટા થી કેદારનાથ – ₹4,840
સિરસી થી કેદારનાથ – ₹3,043
આ તમામ દરો પર GST અલગથી લાગુ થશે. ઉપરાંત આ ભાડું માત્ર એકતરફી મુસાફરી માટે માન્ય રહેશે.
IRCTC પોર્ટલ દ્વારા ઓનલાઇન બુકિંગ
હેલી સેવા માટે ટિકિટ બુકિંગ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)ના અધિકૃત હેલી યાત્રા પોર્ટલ દ્વારા ઓનલાઈન કરી શકાશે. બુકિંગ દરમિયાન કન્વિનિયન્સ ફી અલગથી લેવામાં આવશે. યાત્રા દરમિયાન સુરક્ષા અને સંચાલનના તમામ ધોરણોનું કડક પાલન કરવામાં આવશે જેથી શ્રદ્ધાળુઓને ઉત્તમ સેવા મળી શકે.
19 એપ્રિલથી શરૂ થશે ચારધામ યાત્રા
ચારધામ યાત્રા માટે 6 માર્ચ 2026થી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 25 માર્ચ સુધીમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. ચારધામ યાત્રાની શરૂઆત 19 એપ્રિલથી થશે. ગંગોત્રી અને યમુનોત્રી ધામના દ્વાર 19 એપ્રિલે ખુલશે, જ્યારે કેદારનાથના દ્વાર 22 એપ્રિલે અને બદ્રીનાથ ધામના દ્વાર 23 એપ્રિલે ખુલશે.
અગાઉથી રજિસ્ટ્રેશન કરવાની સલાહ
શ્રદ્ધાળુઓ registrationandtouristcare.uk.gov.in વેબસાઈટ અથવા ‘Tourist Care Uttarakhand’ મોબાઈલ એપ્લિકેશન દ્વારા રજિસ્ટ્રેશન કરી શકે છે. હાલમાં રજિસ્ટ્રેશન માટે કોઈ છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી નથી. જોકે યાત્રા દરમિયાન ભારે ભીડની શક્યતા હોવાથી અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવાની સલાહ આપવામાં આવી છે.