Advertisement

હવે 25 દિવસ પછી જ બીજો ગેસ સિલિન્ડર બુકિંગ, નવા નિયમ અમલમાં

હવે 25 દિવસ પછી જ બીજો ગેસ સિલિન્ડર બુકિંગ, નવા નિયમ અમલમાં

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડર (LPG) અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા LPG સિલિન્ડર બુકિંગ વચ્ચેનો સમયગાળો વધારીને હવે 21 દિવસથી 25 દિવસ કરવામાં આવ્યો છે. આ નિર્ણય કાળા બજાર અને સંગ્રહખોરીને રોકવા માટે લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.


સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં દેશમાં ઘરેલુ ગેસ, ડીઝલ અને પેટ્રોલની કોઈ અછત નથી. તેમ છતાં પુરવઠો વ્યવસ્થિત રહે અને કોઈ પણ પ્રકારની અનિયમિતતા ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.


પહેલા 15 દિવસ, હવે 25 દિવસનો સમયગાળો


પેટ્રોલિયમ મંત્રાલયે થોડા દિવસ પહેલા જ LPG સિલિન્ડર બુકિંગ માટેનો સમયગાળો 15 દિવસથી વધારીને 21 દિવસ કર્યો હતો. હવે તેને વધુ વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. એટલે કે ગ્રાહકો હવે એક સિલિન્ડર બુક કર્યા બાદ બીજો સિલિન્ડર બુક કરવા માટે ઓછામાં ઓછા 24 દિવસનો તફાવત રાખવો પડશે.


ગેસના ભાવમાં વધારો થવાની શક્યતા ઓછી


સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ સ્થાનિક ગ્રાહકો માટે ગેસના ભાવમાં વધારો થવાની શક્યતા નહીવત છે. દેશમાં ગેસનો પુરવઠો જાળવી રાખવા માટે અને સપ્લાય ચેઇનમાં અવરોધ ન આવે તે માટે ઔદ્યોગિક ઉપયોગ માટેના LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ) ના જથ્થાને ઘરેલુ વપરાશ માટે ડાયવર્ટ કરવાની યોજના બનાવાઈ રહી છે.


સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઘરેલુ ગ્રાહકો માટે ગેસના દરોમાં કોઈ ફેરફાર અથવા રેશનલાઇઝેશન કરવામાં આવશે નહીં, જેથી સામાન્ય જનતાને ભાવ વધારાની ચિંતા ન રહે.


LPG સિલિન્ડરના ભાવમાં તાજેતરમાં વધારો


પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે તાજેતરમાં જ ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં ₹60 નો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹114.50 નો વધારો થયો હતો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) ની વેબસાઇટ મુજબ હવે સબસિડી વગરનો 14.2 કિલોગ્રામનો LPG સિલિન્ડર દિલ્હીમાં ₹913 માં ઉપલબ્ધ છે, જે અગાઉ ₹853 હતો.

Advertisement