Advertisement

હોળી-ધુળેટી પર્વે ડાકોરમાં ભક્તોની ભીડ, 5 લાખથી વધુે કર્યા ઠાકોરજીના દર્શન

હોળી-ધુળેટી પર્વે ડાકોરમાં ભક્તોની ભીડ, 5 લાખથી વધુે કર્યા ઠાકોરજીના દર્શન

ડાકોર : ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે હોળી પૂનમ અને ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી ભક્તિમય માહોલ વચ્ચે કરવામાં આવી હતી. આ વર્ષે ચંદ્રગ્રહણના વિશેષ સંયોગને કારણે ઠાકોરજીની સેવા-પૂજા અને દર્શનના ક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જેના કારણે ઉત્સવને અનોખી ધાર્મિક મહત્તા મળી હતી. હોળી મેળાના પ્રારંભથી લઈને પૂર્ણાહુતિ સુધીમાં અંદાજે ૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન રણછોડરાયજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.


ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને ઠાકોરજીની તમામ ધામક વિધિઓ અને ભોગનો કાર્યક્રમ રાત્રિના ૨ વાગ્યાથી સવારના ૧૨ વાગ્યા સુધીમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો. રાત્રે ૨ વાગ્યે ઠાકોરજીની આરતી કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને પવિત્ર કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું. સ્નાન બાદ ઠાકોરજીને ફૂલડોલમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા અને આજ્ઞા માળા ધારણ કરાવી ગોપાલલાલજીને નિજમંદિરની બહાર આસોપાલવના તોરણોથી સજાવેલા પારણે ઝુલાવવામાં આવ્યા હતા. આ મનોહર દર્શન સતત બે કલાક સુધી ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા.


ધૂળેટી પર્વ નિમિત્તે સેવક ભાઈઓએ ઠાકોરજીને નવરંગે રંગ્યા હતા. પરંપરા મુજબ સોનાની પિચકારી દ્વારા કેસૂડાના જળનો ભક્તો પર છંટકાવ કરવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર મંદિર પરિસર રંગો અને ભક્તિના આનંદથી તરબોળ થઈ ગયું હતું. આ પ્રસંગે ઠાકોરજીને વિશેષ પતાસાના હારડાનો હાર પણ ધારણ કરાવવામાં આવ્યો હતો.


શણગારભોગ બાદ ધૂળેટી પર્વની વિધિવત પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને ઠાકોરજીને ફૂલ તથા દ્રાક્ષની બંગલીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ વિશેષ દર્શન બપોરે ૧૨ વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી.

Advertisement