સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં લાંબા સમયથી અટકેલું હાથમતી વિયર પરના ઓવરબ્રિજનું બાંધકામ ફરી શરૂ થતાં સ્થાનિકોમાં રાહત જોવા મળી રહી છે. આ ઓવરબ્રિજ બે સ્ટેટ હાઈવે તેમજ મહેતાપુરા અને ન્યુ મહાવીરનગર વિસ્તારને જોડતો મહત્વનો માર્ગ બનશે.
હાલ બ્રિજના બંને છેડા અને એપ્રોચ રોડ પર માટી ભરવાની સાથે લેવલિંગની કામગીરી ચાલી રહી છે. એપ્રોચ રોડના છેડે આર.સી.સી.નું કામ પૂર્ણ થયા બાદ માટી પાથરીને જમીનનું લેવલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે પાણીનો છંટકાવ કરી પીચિંગની કામગીરી પણ હાથ ધરાઈ છે.
બ્રિજની બંને બાજુ આવેલા ફૂટપાથની સફાઈ સહિતની કામગીરી પણ હાલ ચાલી રહી છે. જોકે, ઓવરબ્રિજના ગરનાળામાં પાઈપલાઈન નાખવાની તેમજ વીજપોલ સંબંધિત કેટલીક કામગીરી હજુ બાકી હોવાનું સામે આવ્યું છે. ન્યુ મહાવીરનગર તરફના છેડે પણ માટી ભરવાનું કામ હાલમાં ચાલુ છે.
આર એન્ડ બી સ્ટેટ વિભાગના જણાવ્યા મુજબ, હાથમતી વિયર ઓવરબ્રિજની લંબાઈ આશરે 210 મીટર અને પહોળાઈ 16 મીટર છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ.22 કરોડનો ખર્ચ થઈ રહ્યો છે.
બ્રિજનું બાંધકામ ફરી ગતિમાં આવતા વાહનચાલકોની લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલી દૂર થવાની આશા છે. જોકે, બ્રિજ ચોક્કસ કઈ તારીખે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાશે તે અંગે હજુ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ, નવરાત્રીથી દિવાળી વચ્ચે બ્રિજ શરૂ કરવાની શક્યતા છે.