ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, પરંતુ આ વખતે તેની ચર્ચા ક્રિકેટના મેદાન પરના પ્રદર્શનને લઈને નહીં, પરંતુ તેની ઉદારતાને કારણે થઈ રહી છે. જાણીતા યુટ્યુબર મિસ્ટર બીસ્ટના શોમાં ભાગ લેનાર હાર્દિક પંડ્યાએ પોતાની શાનદાર રમતના દમ પર 1 લાખ અમેરિકન ડોલર એટલે કે અંદાજે રૂ.94 લાખથી વધુની ઇનામી રકમ જીતી હતી. જોકે, સૌથી ખાસ વાત એ રહી કે હાર્દિકે આટલી મોટી રકમ પોતાના માટે રાખવાને બદલે સામાજિક કાર્યો માટે દાન કરી દીધી.
મિસ્ટર બીસ્ટના આ ખાસ શોમાં હાર્દિક પંડ્યાને એક અનોખી ચેલેન્જ આપવામાં આવી હતી. જેમાં બેઝબોલને સ્ટેડિયમની બહાર મારવાનો હતો. જે સ્પર્ધક સૌથી વધુ વખત બોલને સ્ટેડિયમની બહાર પહોંચાડે તેને વિજેતા જાહેર કરવાનો હતો.
હાર્દિકે સ્વીકાર્યું હતું કે તેણે અગાઉ ક્યારેય બેઝબોલ રમ્યો નહોતો. તેમ છતાં ભારતીય ઓલરાઉન્ડરે પોતાની હિટિંગ ક્ષમતાનો પરિચય આપ્યો હતો. તેણે ત્રણ બોલને સ્ટેડિયમની બહાર પહોંચાડીને શાનદાર પ્રદર્શન કર્યું અને આખરે ચેલેન્જ જીતીને 1 લાખ ડોલરની ઇનામી રકમ પોતાના નામે કરી હતી.
ઇનામી રકમ પોતાના માટે નહીં, જરૂરિયાતમંદો માટે દાન કરી
હાર્દિક પંડ્યાએ જીતેલી સમગ્ર ઇનામી રકમ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે દાન કરવાનો નિર્ણય લીધો હતો. આ રકમ એવા બાળકોના કલ્યાણ માટે આપવામાં આવી, જેમને શિક્ષણ, ભોજન અને જીવનની જરૂરી સુવિધાઓ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આ ઉપરાંત રખડતા શ્વાન માટે શેલ્ટર બનાવવાની વ્યવસ્થામાં પણ આ રકમનો ઉપયોગ થાય તે માટે મદદ કરવામાં આવી છે. હાર્દિકના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે. ક્રિકેટના મેદાન પર આક્રમક રમત માટે ઓળખાતો આ ખેલાડી હવે પોતાની સામાજિક જવાબદારીના કારણે પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.
કોણ છે મિસ્ટર બીસ્ટ?
મિસ્ટર બીસ્ટનું અસલી નામ જિમી ડોનાલ્ડસન છે. તેઓ વિશ્વના સૌથી લોકપ્રિય યુટ્યુબ ક્રિએટર્સમાંના એક છે. મોટા પાયે યોજાતી અનોખી ચેલેન્જ, મોંઘી ઇનામી રકમ અને સામાજિક મદદના કાર્યોને કારણે તેઓ વિશ્વભરમાં જાણીતા છે.
તેમના શોમાં અનેક જાણીતી હસ્તીઓ અને રમતવીરો ભાગ લેતા હોય છે. હાર્દિક પંડ્યાની આ હાજરીએ ક્રિકેટ અને ડિજિટલ એન્ટરટેઇનમેન્ટની દુનિયાને એક મંચ પર લાવી દીધી છે. આ શોમાં ભારતીય યુટ્યુબર કેરીમિનાટી (અજય નાગર)ની હાજરીએ પણ ભારતીય ફેન્સમાં ઉત્સુકતા વધારી હતી.
હાર્દિક પંડ્યાએ 1 લાખ ડોલરની ઇનામી રકમ દાન કરીને સાબિત કર્યું છે કે સાચી જીત માત્ર ઇનામ મેળવવામાં નહીં, પરંતુ તેનાથી અન્ય લોકોના જીવનમાં ખુશી લાવવામાં પણ છે.