આણંદ: આણંદ નજીક આવેલા હાડગુડ ગામમાં મતદાર યાદી સામે વાંધા નોંધવાની પ્રક્રિયા દરમિયાન મોટી ગેરરીતિ થવાની શંકા સામે આવી છે. ગ્રામજનો દ્વારા કરાયેલી તપાસ મુજબ, અંદાજે ૧૫૦૦થી ૧૭૦૦થી વધુ નામની સામે ખોટા નામ અને ફોન નંબરનો ઉપયોગ કરીને જુદા-જુદા વ્યક્તિઓના નામે ફોર્મ નંબર-૭ (વાંધા) દાખલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે હાડગુડના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ગ્રામજનોએ મતદાર યાદીમાં વાંધા લેનાર તરીકે દર્શાવાયેલા વ્યક્તિઓનો ફોન દ્વારા તેમજ રૂબરૂ સંપર્ક કરી પુછપરછ કરતા અનેક લોકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેમણે કોઈપણ પ્રકારનું ફોર્મ નંબર-૭ ભર્યું નથી અને કોઈ મતદાર સામે વાંધો નોંધાવ્યો નથી. તેમના નામ અને ફોન નંબરનો તેમની જાણ બહાર દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
આ મામલે વધુ ચોંકાવનારી બાબત એ છે કે, વાંધા લેનાર તરીકે દર્શાવાયેલા એક વ્યક્તિ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ શિક્ષકે હાડગુડ ગામના નિવાસીઓ સમક્ષ વિડિયો નિવેદન તેમજ લેખિત નિવેદન આપી જાહેર કર્યું હતું કે, તેમણે કોઈપણ પ્રકારનું ફોર્મ નંબર-૭ ભર્યું નથી અને કોઈ મતદાર સામે વાંધો લીધો નથી.
હાડગુડના ગ્રામજનોએ માંગ કરી છે કે, ગામમાં દાખલ થયેલા તમામ ફોર્મ નંબર-૭ વાંધાઓની તાત્કાલિક, નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે. સાથે જ, જેમના નામ અને ફોન નંબરનો ખોટી રીતે ઉપયોગ થયો છે, તેની સત્તાવાર નોંધ લેવાઈ અને ખોટા રીતે ફોર્મ નંબર-૭ દાખલ કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.