ગાંધીનગર: ગુજરાતમાં આગામી ૨૬મી એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે રાજ્ય પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવાના ભાગરૂપે રાજ્ય પોલીસ વડા (DGP) ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડાઓ અને ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા, જેમાં ચૂંટણી લક્ષી સુરક્ષા વ્યવસ્થાનો આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સંકલન અને દેખરેખ જળવાઈ રહે તે માટે ATSના એડીજીપી (ADGP) અમિત વિશ્વકર્માની 'નોડલ ઓફિસર' તરીકે નિમણૂંક કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ આ બેઠકમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે સમગ્ર રાજ્યમાં આચારસંહિતાનો કડક અમલ થવો જોઈએ. ચૂંટણી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસના તમામ યુનિટોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
જિલ્લા પોલીસ વડાઓ સાથેની ચર્ચામાં રાજ્ય પોલીસ વડાએ ગુનાખોરી ડામવા માટે આક્રમક અભિગમ અપનાવવા જણાવ્યું છે. જેમાં ખાસ કરીને લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓને સત્વરે ઝડપી લેવા, લિસ્ટેડ હિસ્ટ્રીશીટરો સામે અટકાયતી પગલાં ભરવા અને જરૂર જણાય ત્યાં પાસા (PASA) હેઠળ મહત્તમ કેસ નોંધવા માટે તાકીદ કરવામાં આવી છે. ચૂંટણી પૂર્વે રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે સોશિયલ મીડિયા પર દેખરેખ અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.