ગુજરાત સહિત દેશભરમાં હોળી-ધુળેટીના પર્વની ઉજવણી વચ્ચે કષ્ટભંજન દેવ મંદિર ખાતે ભવ્ય ‘દિવ્ય રંગોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. સાળંગપુરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દેશ-વિદેશથી દોઢ લાખથી વધુ ભક્તો જોડાયા હતા અને સમગ્ર મંદિર પરિસર ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. ઉત્સવની શરૂઆત હનુમાનજી દાદાની આરતી અને હનુમાન ચાલીસા પાઠ સાથે થઈ હતી.
આ વર્ષે ભક્તોની ત્વચાને નુકસાન ન થાય તે માટે છોટાઉદેપુરથી ખાસ 51 હજાર કિલો ઓર્ગેનિક રંગો તૈયાર કરાવવામાં આવ્યા હતા. ગુલાબી, લાલ, પીળો અને નારંગી સહિત સાત પ્રકારના રંગો અને 1000 કિલો તાજા ફૂલોની વર્ષાથી સમગ્ર પરિસર રંગબેરંગી બની ગયું હતું. હનુમાનજી દાદાને પંચરંગી વાઘા અને ફૂલોથી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સાથે જ 70થી 80 ફૂટ ઊંચા આશરે 500 કલર બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા અને એર પ્રેશર મશીન દ્વારા રંગોની ઉડાનથી આકાશ પણ રંગીન બની ગયું હતું. નાસિક ઢોલના તાલે ભક્તો અને સંતોએ એકસાથે રાસની રમઝટ બોલાવી ભક્તિ અને આનંદનો અનોખો માહોલ સર્જ્યો હતો.