ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓને મિલકત વેરામાંથી રાહત આપવાની માગ હવે ઉગ્ર બની રહી છે. મહારાષ્ટ્ર સરકારે શૈક્ષણિક, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓને મિલકત વેરામાંથી મુક્તિ આપવા માટે પરિપત્ર જાહેર કર્યા બાદ ગુજરાતમાં પણ આવી જ રાહત આપવાની માગ ઊઠી છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળે આ મુદ્દે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે. સંચાલકોનું કહેવું છે કે શૈક્ષણિક સંસ્થાઓ સમાજસેવા અને શિક્ષણના હેતુથી કાર્યરત હોવા છતાં દર વર્ષે લાખો રૂપિયાનો મિલકત વેરો ભરવો પડે છે. જો સરકાર તેમની માગણી નહીં સ્વીકારે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
મહારાષ્ટ્રના નિર્ણય બાદ ગુજરાતમાં પણ આશા જાગી
આ સમગ્ર મામલો મહારાષ્ટ્ર વિધાનસભાના વર્ષ 2023ના ચોમાસુ સત્ર દરમિયાન ચર્ચામાં આવ્યો હતો. રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા અને નગરપંચાયતની હદમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓને મિલકત વેરામાંથી મુક્તિ આપવાની માગ કરવામાં આવી હતી. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
કેરળ સરકારના ઠરાવ અને સંબંધિત કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. આ ચુકાદા બાદ મહારાષ્ટ્ર સરકારે પરિપત્ર જાહેર કરીને શૈક્ષણિક, ધાર્મિક અને સેવાભાવી હેતુ માટે ઉપયોગમાં લેવાતી ઇમારતોને સામાન્ય ઉપકરમાંથી રાહત આપવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સૂચના આપી છે.
મહારાષ્ટ્રના આ નિર્ણય બાદ ગુજરાતના શાળા સંચાલકો પણ રાજ્યમાં સમાન જોગવાઈ લાગુ કરવાની માગ કરી રહ્યા છે.
શાળાઓને દર વર્ષે લાખો રૂપિયાનો ટેક્સ ભરવો પડે છે
રાજ્ય શાળા સંચાલક મહામંડળના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. તેમ છતાં સંસ્થાઓએ દર વર્ષે મિલકત વેરા અને અન્ય કરવેરા પેટે લાખો રૂપિયા ચૂકવવા પડે છે. કેટલીક સંસ્થાઓને વાર્ષિક રૂ. 8થી 10 લાખ સુધીનો ટેક્સ ભરવાની ફરજ પડે છે.
સંચાલકોનું કહેવું છે કે શાળાઓ નફાના હેતુથી નહીં, પરંતુ શિક્ષણના હેતુથી કાર્યરત છે. નાના ગામડાંઓમાં આવેલી શાળાઓ પર પણ કરવેરાનો બોજ હોવાથી સંસ્થાઓના સંચાલનમાં આર્થિક મુશ્કેલીઓ ઊભી થાય છે. આથી મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ શૈક્ષણિક સંસ્થાઓને કરવેરામાં રાહત આપવી જોઈએ.
ભાસ્કર પટેલે સરકાર સમક્ષ કરી રજૂઆત
રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, વર્ષો પહેલાં કેરળ સરકારે શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને સરકારી હોસ્પિટલોને સામાન્ય ઉપકરમાંથી મુક્તિ આપતો ઠરાવ કર્યો હતો. ત્યારબાદ મહારાષ્ટ્રના કેટલાક સંચાલકો આ મુદ્દે સુપ્રીમ કોર્ટ સુધી ગયા હતા, જ્યાં શૈક્ષણિક સંસ્થાઓની તરફેણમાં ચુકાદો આવ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મહારાષ્ટ્ર સરકારે તાત્કાલિક પરિપત્ર જાહેર કર્યો હતો, જેથી નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો દ્વારા તેનો અમલ થઈ શકે અને કોર્ટના આદેશની અવગણના ન થાય.
માગણી નહીં સંતોષાય તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી
ભાસ્કર પટેલના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં પણ શૈક્ષણિક સંસ્થાઓને સામાન્ય ઉપકરમાંથી મુક્તિ આપવા માટે કાયદાકીય જોગવાઈઓ અને અગાઉના ચુકાદાઓનો આધાર લેવામાં આવી રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ, જૂનાગઢની કોર્ટ દ્વારા પણ અગાઉ શૈક્ષણિક સંસ્થાઓને સામાન્ય ઉપકરમાંથી છૂટછાટ આપવા અંગે ચુકાદો આપવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું કે નગર નિયોજનના નિયમોમાં પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ઠરાવ કરીને આવી રાહત આપવાની જોગવાઈ છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારના પરિપત્રના આધારે ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
હવે રાજ્ય સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર શાળા સંચાલકોની નજર છે. જો સરકાર દ્વારા માગણી સ્વીકારવામાં નહીં આવે તો રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત હાઈકોર્ટ અને જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડત લડશે તેવી ચીમકી આપવામાં આવી છે.