ગુજરાતની કોર્ટોમાં બોમ્બની ધમકીએ ખળભળાટ મચાવી દીધો છે. ગુજરાત હાઇકોર્ટ સહિત અમદાવાદ અને સુરતની કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે.
અમદાવાદમાં ઘીકાંટા સ્થિત મેટ્રોપોલિટન કોર્ટ અને લાલ દરવાજા સ્થિત સેશન્સ કોર્ટમાં તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ, ફાયર બ્રિગેડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે કોર્ટ પરિસર ખાલી કરાવી BDDSની ટીમ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.
ધમકીભર્યા ઈ-મેલમાં અમદાવાદ અને સુરતની તમામ કોર્ટોમાં RDX બોમ્બ મૂકવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે.
બીજી તરફ સુરતમાં પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પહોંચી ગયા હતા. વકીલો અને કોર્ટના કર્મચારીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને સમગ્ર કોર્ટ પરિસરની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.
હાલ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ધમકીની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.