Advertisement

ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓ અને શેરડી ખેડૂતોને મોટી રાહત, રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય

ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓ અને શેરડી ખેડૂતોને મોટી રાહત, રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ખાંડ સહકારી મંડળીઓ તથા શેરડી પકવતા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ અને ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે વર્ષ 2007-08 થી 2014-15 દરમિયાન ખાંડ મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવોને સત્તાવાર મંજૂરી આપી છે. આ માહિતી કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુ વાઘાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી.


રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતની સહકારી ખાંડ મંડળીઓ પરનો અંદાજિત રૂ. 1,500 કરોડનો આર્થિક બોજો દૂર થશે. આ સાથે રાજ્યના બે લાખથી વધુ શેરડી ઉત્પાદક ખેડૂતોને સીધી રાહત મળશે અને સહકારી ક્ષેત્રને પણ મોટું બળ મળશે.


મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓએ ખેડૂતોને માત્ર કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલા એફઆરપી (ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઈઝ) મુજબ જ નહીં પરંતુ મોલાસીસ, ઇથેનોલ અને વીજ ઉત્પાદન જેવી બાય-પ્રોડક્ટ્સમાંથી મળતી વધારાની આવકનો લાભ પણ ખેડૂતો સુધી પહોંચાડ્યો હતો. જેના કારણે ગુજરાતના ખેડૂતોને દેશના અન્ય રાજ્યો કરતાં વધુ ભાવ મળતા રહ્યા છે.


ભૂતકાળમાં ઇન્કમટેક્સ વિભાગે એફઆરપી કરતાં વધુ ચૂકવાયેલા ભાવોને નફો ગણાવી ખાંડ મંડળીઓને ટેક્સની ડિમાન્ડ નોટિસ ફટકારી હતી, જેના કારણે સહકારી ખાંડ મંડળીઓ પર રૂ. 1,500 કરોડ જેટલો બોજો આવવાની સ્થિતિ ઊભી થઈ હતી.


વર્ષ 2023માં કેન્દ્ર સરકાર દ્વારા ઇન્કમટેક્સ કાયદામાં સુધારો કર્યા બાદ રાજ્ય સરકારને શેરડીના ભાવોને મંજૂરી આપવાની સત્તા મળી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે ઉચ્ચસ્તરીય સમિતિની ભલામણોને આધારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.


મંત્રી શ્રી જીતુ વાઘાણીએ આ નિર્ણય બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિત શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતો અને સહકારી ક્ષેત્રના હિતોની સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

Advertisement