ગુજરાતને શાકાહારી રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ હવે રાજ્યમાં કતલખાનાઓની સંખ્યાને લઈને સામે આવેલા આંકડાએ ચર્ચા જગાવી છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા સંસદમાં આપવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, ગુજરાતમાં 10,735 નોંધાયેલા કતલખાના છે, જ્યારે 2,176 બિન-નોંધાયેલા કતલખાનાઓ હોવાની માહિતી આપવામાં આવી છે.
એટલે કે રાજ્યમાં નાના-મોટા એકમો સહિત 12 હજાર 900થી વધુ કતલખાના અને સંબંધિત એકમો હોવાનો આંકડો સામે આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, કતલખાનાઓને તેમની ક્ષમતા અને કામગીરીના આધારે અલગ-અલગ પ્રકારની મંજૂરી આપવામાં આવે છે. મોટા એકમો માટે કેન્દ્રીય સ્તરની મંજૂરી, જ્યારે અન્ય એકમો માટે રાજ્ય અથવા સ્થાનિક સ્તરે નોંધણી અને લાઇસન્સની વ્યવસ્થા હોય છે.
આ સાથે ગુજરાતમાં વર્ષ 2024-25 દરમિયાન અંદાજે 34 હજાર 45 મેટ્રિક ટન માંસનું ઉત્પાદન નોંધાયું હોવાનું પણ આંકડામાં જણાવાયું છે.
જોકે, ગુજરાતમાં પશુ કતલને લઈને કાયદાકીય જોગવાઈઓ પણ કડક છે. ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એક્ટ હેઠળ ગાય અને સંપૂર્ણ ગૌવંશની કતલ પર પ્રતિબંધ છે, જ્યારે કાયદા મુજબ મંજૂર અન્ય પશુઓ અને મરઘાંની કતલ માટે નિયમો લાગુ પડે છે.
હવે સવાલ એ છે કે 12 હજાર 900થી વધુ કતલખાનાના આ આંકડા ગુજરાતના ‘શાકાહારી રાજ્ય’ની ઓળખ સામે શું ચિત્ર રજૂ કરે છે?