ગુજરાતમાં વરસાદની જોરદાર બેટિંગ! 207 જળાશયોમાં અડધાથી વધુ જળસંગ્રહ, 13 ડેમ ઓવરફ્લો તો 21 હાઈ એલર્ટ પર.

ગુજરાતમાં વરસાદની જોરદાર બેટિંગ! 207 જળાશયોમાં અડધાથી વધુ જળસંગ્રહ, 13 ડેમ ઓવરફ્લો તો 21 હાઈ એલર્ટ પર.

ગુજરાતમાં ચાલુ મોસમના સતત વરસાદને કારણે રાજ્યના મુખ્ય જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. જળસંપત્તિ વિભાગના 27 જુલાઈના અહેવાલ મુજબ રાજ્યના 207 જળાશયોમાં કુલ 54 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જેમાં 13 ડેમ સંપૂર્ણ ભરાઈને છલકાયા છે, જ્યારે 21 ડેમને 'હાઈ એલર્ટ', 5 ડેમને 'એલર્ટ' અને 13 ડેમને 'વોર્નિંગ' પર રાખવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં કુલ ક્ષમતાના 69.25 ટકા જેટલો જળસંગ્રહ છે, જ્યારે અન્ય 206 જળાશયોમાં સરેરાશ 45.41 ટકા પાણી ઉપલબ્ધ છે.

ડેમોની સ્થિતિ મુજબ 26 ડેમ 90થી 100 ટકા, 28 ડેમ 50થી 70 ટકા, 55 ડેમ 25થી 50 ટકા અને 84 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. દક્ષિણ ગુજરાતના દમણગંગા ડેમમાં સૌથી વધુ 27,412 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જ્યારે ઉકાઈ ડેમમાં પણ સતત નવા નીરની આવક થઈ રહી છે. રિજિયન પ્રમાણે મધ્ય ગુજરાતમાં 50 ટકાથી વધુ, સૌરાષ્ટ્રમાં 47 ટકા, દક્ષિણ ગુજરાતમાં 45 ટકા, ઉત્તર ગુજરાતમાં 39 ટકા અને કચ્છમાં 25 ટકા જળસંગ્રહ નોંધાયો છે.