ગુજરાતમાં સગીર દીકરીઓ સામે જાતીય ગુનાઓ કરનારાઓ માટે હવે કાયદાનો ફંદો વધુ કડક બન્યો છે!

ગુજરાતમાં સગીર દીકરીઓ સામે જાતીય ગુનાઓ કરનારાઓ માટે હવે કાયદાનો ફંદો વધુ કડક બન્યો છે!

ગુજરાતમાં સગીર દીકરીઓ સામે જાતીય ગુનાઓ કરનારાઓ માટે હવે કાયદાનો ફંદો વધુ કડક બન્યો છે!

રાજ્ય સરકારે આવા ગંભીર ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી હોવાનું જણાવ્યું છે અને POCSO કેસોમાં ઝડપી તપાસ, ઝડપી ચાર્જશીટ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપી ટ્રાયલના પરિણામે કડક સજાના ચુકાદા સામે આવી રહ્યા છે.

વર્ષ 2022થી ઓગસ્ટ 2026 સુધીના પાંચ વર્ષમાં ગુજરાતની POCSO કોર્ટમાં કુલ 1,785 કેસોમાં ચુકાદા આવ્યા છે. જેમાંથી 908 આરોપીઓને આજીવન કેદ, જ્યારે 16 આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2022માં 194 ચુકાદાઓમાં 107 આરોપીઓને આજીવન કેદ થઈ હતી. જ્યારે વર્ષ 2025માં 499 ચુકાદાઓ આવ્યા હતા, જેમાંથી 340 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

ચાલુ વર્ષ 2026માં પણ માત્ર ઓગસ્ટ મહિના સુધીમાં 346 POCSO કેસોમાં ચુકાદા આવી ચૂક્યા છે. જેમાં 241 આરોપીઓને આજીવન કેદ અને 2 આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

ખાસ વાત તો એ છે કે માત્ર ઓગસ્ટ મહિનામાં જ 48 કેસોમાં સજાના ચુકાદા આવ્યા હતા અને તેમાં 35 આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવી છે.

ઝડપી ન્યાયનું એક મહત્વનું ઉદાહરણ ગાંધીનગરના કલોલમાંથી પણ સામે આવ્યું છે. 15 વર્ષની સગીરા પર દુષ્કર્મના કેસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કર્યા બાદ માત્ર 72 કલાકમાં POCSO કોર્ટે આરોપીને કુદરતી આયુષ્યના અંત સુધીની આજીવન કેદની સજા ફટકારી હતી.

રાજ્યમાં આવા કેસોમાં પોલીસ દ્વારા ઝડપી તપાસ માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને મોટાભાગના કેસોમાં 45 દિવસની અંદર ચાર્જશીટ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

છેલ્લા પાંચ વર્ષમાં 140 કેસોમાં માત્ર 1થી 15 દિવસમાં, 1,339 કેસોમાં 16થી 30 દિવસમાં અને 5,463 કેસોમાં 31થી 45 દિવસની અંદર તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.

વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવા અને સઘન તપાસના કારણે કેસોને ઝડપથી કોર્ટ સુધી પહોંચાડવામાં મદદ મળી રહી હોવાનું રાજ્ય સરકારનું કહેવું છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે દીકરીઓ તરફ કુદ્રષ્ટિ કરનારા આરોપીઓ માટે કોઈ દયા કે છૂટછાટ હોઈ શકે નહીં. ફાસ્ટ ટ્રેક કોર્ટ, મજબૂત કાયદાકીય માળખું અને પોલીસ-ન્યાયતંત્રના સંકલનથી આવા ગુનેગારોને દાખલો બેસે તેવી કડક સજા અપાવવાનો સરકારનો સંકલ્પ હોવાનું તેમણે જણાવ્યું છે.

દીકરીઓની સુરક્ષા સામે ગુનો કરનારાઓને હવે સ્પષ્ટ સંદેશ—ગુનો કરશો તો કાયદાની પકડથી બચવું મુશ્કેલ બનશે!