ગાંધીનગરના કોબા તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ભવ્ય લોકાર્પણ 31 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. ઈતિહાસ, સંસ્કૃતિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ ધરાવતા આ મ્યુઝિયમના ઉદ્ઘાટન પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને આ કાર્યક્રમ મહાવીર જન્મકલ્યાણકના પાવન દિવસે યોજાશે.
આ મ્યુઝિયમનું નિર્માણ ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવ્યું છે. મહાવીર જૈન આરાધના કેન્દ્રના પ્રમુખ સુધીર મહેતાના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ સાકાર થયો છે. આ મ્યુઝિયમ આવનારી પેઢીઓને ભારતની સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને કળા વિશે ઊંડાણપૂર્વક જાણવાની પ્રેરણા આપશે.
મ્યુઝિયમમાં સમ્રાટ સંપ્રતિ મહારાજના જીવન અને મૂલ્યોને દર્શાવવામાં આવ્યા છે તેમજ પ્રાચીન ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય અવશેષોને સ્થાન આપવામાં આવ્યું છે. સાત ગેલેરીઓમાં પ્રાચીન સમયથી આધુનિક સમય સુધીની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓ, સંશોધકો અને ઇતિહાસપ્રેમીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.