ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછતને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો અને “નો સ્ટોક”ના બોર્ડ જોવા મળતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. જોકે રાજ્ય સરકાર અને ઓઈલ કંપનીઓએ સ્પષ્ટતા કરી છે કે ગુજરાતમાં ઈંધણની કોઈ અછત નથી અને હાલની સ્થિતિ માત્ર પેનિક બાઈંગના કારણે ઉભી થઈ રહી છે.
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગના જણાવ્યા અનુસાર, લોકો દ્વારા એકસાથે મોટા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવાના કારણે વેચાણમાં સામાન્ય કરતાં 80 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. જેના કારણે કેટલાક પેટ્રોલ પંપો પર ટૂંકા સમય માટે સ્ટોક ખાલી થઈ જવાની સ્થિતિ સર્જાઈ રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે જેવો નવો જથ્થો પહોંચે છે તે તરત જ વેચાઈ જાય છે, જેના કારણે કેટલાક પંપો થોડા સમય માટે ડ્રાય જોવા મળી રહ્યા છે.
રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય નાગરિકો માટે પેટ્રોલ કે ડીઝલ ભરાવવા પર કોઈપણ પ્રકારની મર્યાદા કે પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. ખેતીવાડી માટે બેરલમાં 200 લીટર સુધી ડીઝલ આપવાની મંજૂરી છે. જ્યારે મોબાઈલ ટાવર્સ માટે 1,000 લીટર સુધી અને અન્ય ઔદ્યોગિક જરૂરિયાતો માટે અગાઉના વપરાશના આધારે ઈંધણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.
પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે પુરવઠા વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યના દરેક જિલ્લામાં કયા પેટ્રોલ પંપ પર સ્ટોક ઓછો છે તેનું રિયલ-ટાઈમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ IOCL, BPCL અને HPCL જેવી ઓઈલ કંપનીઓ સાથે રોજ બેઠક યોજીને જ્યાં જરૂર હોય ત્યાં પ્રાથમિકતા આધારે ટેન્કરો મોકલવામાં આવી રહ્યા છે.
સરકારે નાગરિકોને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ખોટી અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવતાં સરકારે લોકોને માત્ર જરૂરિયાત મુજબ જ ઈંધણ ખરીદવા વિનંતી કરી છે. અધિકારીઓએ ઉમેર્યું કે જો કોઈ વિસ્તારમાં પેટ્રોલ પંપ ડ્રાય થવાની ફરિયાદ મળે તો તાત્કાલિક નવા સ્ટોકની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.