ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ, આવક-જાતિના દાખલાથી ઈ-ધરા સુધીની કામગીરી પર અસર

ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ, આવક-જાતિના દાખલાથી ઈ-ધરા સુધીની કામગીરી પર અસર

ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા પડતર પ્રશ્નો અને સેવા વિષયક માંગણીઓના ઉકેલ માટે શરૂ કરાયેલ આંદોલન હવે અચોક્કસ મુદતની હડતાળ સુધી પહોંચી ગયું છે. માસ સી.એલ. બાદ પણ સરકાર તરફથી સંતોષકારક પ્રતિસાદ ન મળ્યાનો આક્ષેપ કરીને રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓ આજથી કામથી અળગા થયા છે.

કર્મચારીઓના કામકાજથી દૂર રહેવાના કારણે અનેક સરકારી કચેરીઓમાં સામાન્ય નાગરિકોને મળતી સેવાઓ પ્રભાવિત થઈ છે. આવકના દાખલા, જાતિના દાખલા, વિધવા સહાય સહિતની કામગીરી સાથે જમીન સંબંધિત સેવાઓમાં પણ વિલંબની સ્થિતિ ઊભી થઈ છે.

10 હજારથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા

મહામંડળના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં 10 હજારથી વધુ મહેસૂલી કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં કર્મચારીઓએ પેન ડાઉન કરી વિવિધ સરકારી કામગીરીથી અસહકાર દર્શાવ્યો છે.

હડતાળની અસર વિદ્યાર્થીઓ અને અરજદારો પર પણ જોવા મળી છે. સુરતમાં PG એડમિશનની અંતિમ તારીખે કેટલાક વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ વિવિધ કચેરીઓમાં પોતાના કામ માટે પહોંચેલા અરજદારો પણ પરેશાન જોવા મળ્યા હતા.

રાજકોટમાં 450 કર્મચારીઓ કામગીરીથી અળગા

રાજકોટ મહેસૂલી કર્મચારી મહામંડળના મહામંત્રી મનીષ ગિધવાણીએ જણાવ્યું કે જિલ્લાની મામલતદાર, પ્રાંત અને કલેક્ટર કચેરીમાં કાર્યરત વર્ગ-3ના કર્મચારીઓ, ક્લાર્ક, નાયબ મામલતદાર અને મહેસૂલી તલાટી સહિત આશરે 450 કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે.

તેમના જણાવ્યા મુજબ, કર્મચારીઓ જાહેર રજાઓ અને ઓફિસ સમય બાદ પણ પ્રજાના કામ કરતા આવ્યા છે. જોકે માંગણીઓનું નિરાકરણ ન આવતા સંગઠનને હડતાળનો માર્ગ અપનાવવો પડ્યો છે. તેમણે હડતાળને કારણે લોકોને થતી મુશ્કેલી બદલ દિલગીરી વ્યક્ત કરી હતી અને માંગણીઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની વાત કરી હતી.

સુરતમાં 500 કર્મચારીઓએ પેન ડાઉન કર્યું

સુરતમાં નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી સહિત આશરે 500 કર્મચારીઓ કામગીરીથી અળગા રહ્યા છે.

આના કારણે કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી અને તાલુકા મામલતદાર કચેરીઓમાં વિવિધ કામો પ્રભાવિત થયા છે. ખાસ કરીને ઈ-ધરા કેન્દ્રો, વારસાઈ નોંધ, જમીન સંબંધિત દસ્તાવેજો અને સિટી સર્વે વિભાગની કામગીરી પર અસર પડી છે.

ગાંધીનગરમાં ચૂંટણીની કામગીરી ચાલુ રહેશે

ગાંધીનગર જિલ્લામાં પણ મહેસૂલી કર્મચારીઓએ રાજ્ય મહામંડળના આદેશને સમર્થન આપ્યું છે. જોકે, ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી સંબંધિત કામગીરીને હડતાળથી અલગ રાખવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લાના રેવન્યુ તલાટી વિજયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ચૂંટણી સંબંધિત કામગીરી ચાલુ રહેશે. સાથે જ ઇમરજન્સી સેવાઓને પણ હડતાળમાંથી બાકાત રાખવામાં આવશે.

ગાંધીનગર કલેક્ટર કચેરીનો સ્ટાફ પણ મહામંડળના રાજ્યવ્યાપી આદેશ મુજબ હડતાળમાં જોડાયો છે.

વડોદરામાં 14 માંગણીઓ અંગે આંદોલન

વડોદરા મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું કે કર્મચારીઓની મુખ્ય 14 માંગણીઓ અંગે અગાઉ અનેક વખત રજૂઆતો અને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા.

તેમના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા ચર્ચા માટે સમય આપવામાં આવ્યો હતો, પરંતુ નિર્ધારિત સમયગાળો પૂર્ણ થયા બાદ પણ માંગણીઓ અંગે કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી. અગાઉ માસ સી.એલ. સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને હવે રાજ્ય મહામંડળના આદેશ અનુસાર અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવી છે.

વિભાગીય તપાસની પ્રક્રિયા અંગે પણ સવાલ

મહામંડળે કર્મચારીઓ સામે થતી વિભાગીય તપાસ અંગે પણ રજૂઆત કરી છે. સંગઠનની માંગ છે કે વિભાગીય તપાસ અને ત્યારબાદની કાર્યવાહી પારદર્શક, નિયમસર અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થવી જોઈએ.

સંગઠને એવો પણ આક્ષેપ કર્યો છે કે કેટલીક કાર્યવાહીના કારણે કર્મચારીઓને લાંબા સમય સુધી માનસિક તણાવનો સામનો કરવો પડે છે. આથી આવી પ્રક્રિયાઓ માટે સ્પષ્ટ નિયમો અને સમયમર્યાદા નક્કી કરવાની માંગ કરવામાં આવી છે.

'Malice in Law'નો પણ ઉલ્લેખ

મહામંડળે પોતાની રજૂઆતમાં **Somesh Tiwari Vs. Union of India [(2009) 2 SCC 592]**ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો છે.

સંગઠન દ્વારા રજૂઆતમાં 'Malice in Law'ના મુદ્દાને ટાંકીને જણાવાયું છે કે કર્મચારીઓ સામે થતી કોઈપણ કાર્યવાહી વ્યક્તિગત અથવા અયોગ્ય હેતુથી પ્રેરિત ન હોવી જોઈએ.

આ ઉપરાંત મહામંડળના મહામંત્રી કૌશિક સોલંકીની નિમણૂક સંબંધિત મુદ્દો પણ રજૂઆતમાં સામેલ કરવામાં આવ્યો છે. સંગઠને આ મામલે સરકાર અને વિભાગના સંબંધિત અધિકારીઓ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી છે.

સરકાર સામે સંવેદનશીલતાપૂર્વક નિર્ણય લેવાની માંગ

મહેસૂલી કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રી સમક્ષ રજૂઆત કરીને કર્મચારીઓની પડતર માંગણીઓ અને સેવા સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરી છે.

સંગઠનનું કહેવું છે કે મહેસૂલી કર્મચારીઓ સરકારની વિવિધ નીતિઓ અને કામગીરીના અમલમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી કર્મચારીઓની સમસ્યાઓનું નિરાકરણ લાવી કામગીરી માટે સકારાત્મક વાતાવરણ ઊભું કરવું જરૂરી છે.

હાલ રાજ્યભરમાં હડતાળને કારણે અનેક સરકારી સેવાઓ પર અસર પડી રહી છે. હવે સરકાર અને મહામંડળ વચ્ચેની આગામી ચર્ચા અને નિર્ણયથી આ અચોક્કસ મુદતની હડતાળનો અંત આવે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.