Advertisement

ગુજરાતમાં માવઠાનું સંકટ: 5 થી 8 મે દરમિયાન વાવાઝોડા અને કરા સાથે વરસાદની આગાહી, ખેડૂતો ચિંતિત

ગુજરાતમાં માવઠાનું સંકટ: 5 થી 8 મે દરમિયાન વાવાઝોડા અને કરા સાથે વરસાદની આગાહી, ખેડૂતો ચિંતિત

 ગુજરાતમાં માવઠાનું સંકટ: 5 થી 8 મે દરમિયાન વાવાઝોડા અને કરા સાથે વરસાદની આગાહી, ખેડૂતો ચિંતિત

અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે કુદરતનો મિજાજ બદલાવાની તૈયારીમાં છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર માવઠાની ગંભીર આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી 5 થી 8 મે દરમિયાન રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 40 થી 60 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે ધૂળના વાવાઝોડા અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ લાવી શકે છે. પશ્ચિમ બંગાળના ઉપસાગરમાં સર્જાતા દબાણ અને પશ્ચિમી વિક્ષેપને કારણે આ સ્થિતિ સર્જાશે.


અંબાલાલ પટેલની આગાહી મુજબ, ખાસ કરીને પંચમહાલ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની સંભાવના છે. સૌથી વધુ અસર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે, જ્યાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડશે અને કેટલીક જગ્યાએ કરા પડવાની પણ શક્યતા છે. આ કમોસમી વરસાદને કારણે કેરીના પાક અને ઉનાળુ ખેતી કરતા ખેડૂતોમાં ચિંતાની લહેર વ્યાપી ગઈ છે.


જોકે, આ માવઠાની અસર લાંબો સમય નહીં રહે તેવા સંકેતો પણ મળ્યા છે. 11 મે બાદ વાતાવરણ ધીમે-ધીમે ચોખ્ખું થશે અને ત્યારબાદ ગરમીમાં ફરીથી નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. એટલે કે, મે મહિનાના બીજા પખવાડિયામાં ગુજરાતવાસીઓએ ફરીથી આકરી ગરમી અને લૂનો સામનો કરવો પડશે. હાલ પૂરતું, વાવાઝોડા જેવી સ્થિતિ અને કરા સાથેના વરસાદને જોતા ખેડૂતોને સાવચેતી રાખવા અને પાક સુરક્ષિત કરવા સૂચન કરવામાં આવ્યું છે.

Advertisement