ગુજરાતમાં ગરમી વચ્ચે હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની ગંભીર આગાહી કરવામાં આવી છે. હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે. જેના પરિણામે આગામી સમયમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
આ જિલ્લાઓમાં જાહેર કરાયું ‘યલો ઍલર્ટ’
હવામાન વિભાગે સાવચેતીના ભાગરૂપે રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો સિવાય રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
30 થી 40 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન
આ કમોસમી વરસાદ માત્ર સામાન્ય ઝાપટા સુધી સીમિત નહીં રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડી શકે છે. સાથે જ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આજે અને આવતીકાલે દરિયો ન ખેડવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે.
હાલ તાપમાન 36 ડિગ્રી આસપાસ
રાજ્યમાં હાલમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટમાં સૌથી વધુ 36.7 ડિગ્રી, અમદાવાદમાં 36.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 36.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 48 કલાક બાદ વાતાવરણ ફરી ચોખ્ખું થતા ગરમીનો પારો ફરી ઉંચકાશે અને તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે.