Advertisement

ગુજરાતમાં કમોસમી વરસાદની એન્ટ્રી: 13 જિલ્લામાં યલો એલર્ટ, 40 કિ.મી.ની ઝડપે પવનની આગાહી

ગુજરાતમાં કમોસમી વરસાદની એન્ટ્રી: 13 જિલ્લામાં યલો એલર્ટ, 40 કિ.મી.ની ઝડપે પવનની આગાહી


ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતા રાજ્યના વાતાવરણમાં ફેરફાર થયો છે. India Meteorological Department (IMD) દ્વારા આજે 5 મેના રોજ રાજ્યના અનેક જિલ્લાઓ માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.


IMD દ્વારા બપોરે 4 વાગ્યે જાહેર કરાયેલા નાઉકાસ્ટ મુજબ, સાંજે 7 વાગ્યા સુધીમાં કચ્છ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની શક્યતા છે. આ દરમિયાન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે અને આ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


આ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભર ઉનાળામાં આવી કમોસમી વરસાદી સ્થિતિથી લોકોને ગરમીથી થોડો રાહત મળશે, પરંતુ સાથે જ વીજળી અને પવનને કારણે સાવચેત રહેવાની જરૂર છે.


હવામાન વિભાગના અનુમાન મુજબ, 9 થી 11 મે દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે, જેના કારણે ઉકળાટમાં વધારો થવાની શક્યતા છે. રાજ્યના નાગરિકોને આગામી દિવસોમાં હવામાનમાં થતા આ બદલાવ અંગે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

Advertisement