ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના જમીન અને માનવ સ્વાસ્થ્યની રક્ષા કાજે એક ભગીરથ પગલું ભરવામાં આવ્યું છે. કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગર જિલ્લાના શેરથા ગામથી રાજ્યવ્યાપી “ખેત બચાવો અભિયાન”નો ગરિમાપૂર્ણ પ્રારંભ કરાવ્યો છે. ૧ જૂનથી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન ચાલનારા આ એક મહિનાના વિશેષ અભિયાન અંતર્ગત રાજ્યભરના કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના અધિકારીઓની ટીમ ગામે-ગામ જશે. આ ટીમ ખેડૂતોને રૂબરૂ મળીને જમીનની ફળદ્રુપતા જાળવવા, ગુણવત્તાયુક્ત બિયારણના ઉપયોગ અને રાસાયણિક ખાતરોના સપ્રમાણ વપરાશ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડશે.
આ પ્રસંગે ખેડૂતો અને પશુપાલકોના વિશાળ જનમેદનીને સંબોધતા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ચિંતા વ્યક્ત કરી હતી કે, ડી.એ.પી. અને યુરિયા જેવા રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશકોના આડેધડ ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા નાશ પામી રહી છે. આ દૂષિત તત્વો હવે અન્ન અને દૂધ મારફતે માનવ શરીરમાં પ્રવેશી ચૂક્યા છે, જેને કારણે નાની ઉંમરે બ્લડપ્રેસર, સુગર, કિડનીની બીમારીઓ અને કેન્સર જેવા અસાધ્ય રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. મંત્રીશ્રીએ ખેડૂતોને ભાવુક અપીલ કરતાં જણાવ્યું હતું કે, ખેતી એ આપણા પૂર્વજોનો વારસો છે. જો આપણે અત્યારે જાગૃત થઈને જમીનને નહીં બચાવીએ, તો આપણી આવનારી પેઢીઓ સુરક્ષિત નહીં રહે. તેમણે ખેડૂતોને શરૂઆતમાં પોતાની જમીનના ઓછામાં ઓછા ૨૫ ટકા ભાગમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કરવા અને રાસાયણિક ખાતરોનો મર્યાદિત ઉપયોગ કરવા આગ્રહભરી વિનંતી કરી હતી.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા અને તેમના ઉત્પાદનોને યોગ્ય બજાર મળી રહે તે માટે સરકારે મજબૂત આયોજન કર્યું છે. કૃષિ મંત્રીશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓને કડક સૂચના આપી છે કે, રાજ્યની કલેક્ટર કચેરીઓ, જિલ્લા પંચાયતો, મામલતદાર કચેરીઓ અને સ્થાનિક દૂધ મંડળીઓ ખાતે અઠવાડિયામાં બે દિવસ પ્રાકૃતિક અનાજ, શાકભાજી અને ફળોના વેચાણ માટેના ખાસ કેન્દ્રો શરૂ કરવામાં આવે. આ ઉપરાંત, તેમણે અધિકારીઓને પણ પોતાના બંગલાના પટાંગણમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી સમાજ માટે પ્રેરણારૂપ બનવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વિઝનને આગળ ધપાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના ૮ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી ચૂક્યા છે, અને આ વર્ષે વધુ ૫ લાખ ખેડૂતોને જોડવાનો સરકારનો મક્કમ સંકલ્પ છે.
કાર્યક્રમ દરમિયાન ‘વિશ્વ દૂધ દિવસ’ નિમિત્તે દેશના વિકાસમાં પશુપાલકોના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારત ૨૫ ટકા હિસ્સો ધરાવે છે અને તેમાં ગુજરાત અગ્રેસર છે. ખેડૂતો ખેતીની સાથે પશુપાલન અપનાવે તો તેમની આવક બમણી થઈ શકે છે. આ પ્રસંગે કૃષિ અગ્ર સચિવ શ્રી આર.સી. મીણાએ ખેડૂતોને ખાતરના ઓવરડોઝથી બચવા અને નેનો યુરિયા તેમજ નેનો ડી.એ.પી. જેવા આધુનિક વિકલ્પો અપનાવવા સલાહ આપી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોને 'મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના'ના લાભોનું વિતરણ કરાયું હતું અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ પટેલ, કલેક્ટર રવિન્દ્ર ખતાલે સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.