ગુજરાતમાં બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ભરઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ 29 માર્ચથી રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે અને અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે, જેના કારણે ફરી માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે.
29 અને 30 માર્ચ દરમિયાન ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે ગાજવીજવાળો હળવો વરસાદ વરસી શકે છે. 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જેવા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, સાથે જ પવનની ગતિ 30થી 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં પણ રાજ્યમાં વાતાવરણ અસ્થિર રહેવાની શક્યતા છે અને 4 એપ્રિલ સુધી વાદળછાયું માહોલ સાથે છૂટાછવાયા વરસાદ ચાલુ રહે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.