આણંદ, 28 મે 2026, ગુજરાતમાં હાલ આકરા ઉનાળાની ગરમી વચ્ચે હવે વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ શકે છે. ગ્લોબલ વોર્મિંગના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી મે મહિનાના અંતિમ અઠવાડિયામાં રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે.
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. સુરેન્દ્રનગર સતત બીજા દિવસે 44 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાતા શહેર બીજા ક્રમે રહ્યું હતું. આગામી 48 કલાક સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ મુજબ હાલમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાક વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. વરસાદ દરમિયાન 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
કઈ તારીખે ક્યાં વરસાદની આગાહી?
30 મે: બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને કચ્છ
31 મે: બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર અને કચ્છ
1 જૂન: પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, અમરેલી અને ભાવનગર
2 જૂન: પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગર
અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા અને સુરેન્દ્રનગર વિસ્તારમાં ગરમ અને ભેજવાળા વાતાવરણને કારણે લોકોને અકળામણનો અનુભવ થઈ શકે છે.