Advertisement

ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં, વંટોળે ઉડાડી ધૂળની ડમરીઓ

ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં, વંટોળે ઉડાડી ધૂળની ડમરીઓ


રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો હતો, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આજે (7 એપ્રિલ) બપોર બાદ વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો હતો. સાબરકાંઠા, મહેસાણા અને ભાવનગર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદી ઝાપટાં પડતા ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આ અચાનક વરસાદથી એક તરફ લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે, તો બીજી તરફ ખેતરમાં ઉભેલા પાકને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે.


અનેક જિલ્લામાં કમોસમી વરસાદ


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિત આસપાસના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. પવન સાથે આવેલા આ વરસાદે જનજીવનને અસર કરી હતી. મહેસાણા જિલ્લાના વિસનગરમાં પણ અચાનક પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.


ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર શહેરમાં પણ ધીમી ધારે વરસાદ નોંધાયો હતો. વાદળછાયા વાતાવરણ અને પવનને કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી. અમદાવાદમાં પણ દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.


મધ્ય ગુજરાતમાં પણ માવઠું


ખેડા જિલ્લાના માતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને ભલાડા સહિતના ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા સાથે પડેલા આ વરસાદથી જનજીવન પર અસર જોવા મળી હતી.


આણંદ જિલ્લાના ખંભાત પંથકમાં પણ વરસાદ વરસતા ખેતરમાં તૈયાર થયેલા ઘઉંના પાકને નુકસાન થવાની સંભાવના ઉભી થઈ છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. નડિયાદ, આણંદ શહેર અને આસપાસના વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણ બદલાયું હતું. જોરદાર પવન સાથે વંટોળ ફૂંકાતા રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ અમી છાંટા શરૂ થતાં ગરમીમાં રાહત મળી હતી, જોકે થોડો સમય અંધકારમય માહોલ છવાઈ ગયો હતો.


પંચમહાલ જિલ્લાના ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો.


હવામાન વિભાગની આગાહી


હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયામાં કરંટ જોવા મળી શકે હોવાથી માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સાથે જ કમોસમી વરસાદ સાથે વીજળી પડવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી છે.


ચૈત્ર માસ દરમિયાન વરસી રહેલા આ માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. ઘઉં, બાજરી અને કેરી જેવા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેતરમાં તૈયાર પાક પલળી ન જાય તે માટે ખેડૂતો તેને સુરક્ષિત રાખવાના પ્રયાસોમાં લાગી ગયા છે.

Advertisement