હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ કમોસમી વરસાદની (માવઠાની) આગાહી કરી છે. આગામી 2 થી 4 એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે. આ દરમિયાન રાજ્યનું તાપમાન 36થી 38 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે.
કયા દિવસે, ક્યાં છે વરસાદની આગાહી?
આજે: ઉત્તર ગુજરાત (બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા) અને કચ્છમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા.
2 એપ્રિલ: કચ્છ, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, સૌરાષ્ટ્ર (અમરેલી, ભાવનગર) અને દક્ષિણ ગુજરાત (સુરત, નવસારી, વલસાડ, ડાંગ સહિત) ના અનેક જિલ્લાઓમાં માવઠું પડી શકે છે.
3 એપ્રિલ: કચ્છ, ઉત્તર ગુજરાત (બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા) અને સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગરમાં વરસાદની આગાહી.
4 એપ્રિલ: બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, અમરેલી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં વાતાવરણ વાદળછાયું રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ખરાબ હવામાનની શક્યતાને જોતા માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.