ગુજરાતમાં બોમ્બ ધમકીથી ખળભળાટ, DGP ઓફિસ સહિત જેલ અને મંદિરને ઉડાવવાની ધમકીભર્યો ઈમેઈલ

ગુજરાતમાં બોમ્બ ધમકીથી ખળભળાટ, DGP ઓફિસ સહિત જેલ અને મંદિરને ઉડાવવાની ધમકીભર્યો ઈમેઈલ

ગુજરાતમાં ફરી એકવાર બોમ્બની ધમકીને પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (DGP) કચેરીને એક ધમકીભર્યો ઈમેઈલ મળ્યો છે. જેમાં ગાંધીનગર સ્થિત DGP ઓફિસ, કલેક્ટર કચેરી અને એક મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઈમેઈલમાં '2008ને ભૂલશો નહીં, બિગ સરપ્રાઈઝ ફોર ઈન્ડિયન ગવર્નમેન્ટ' જેવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પ્રાથમિક માહિતી અનુસાર, ખાલિસ્તાનના નામે કોઈ અજાણ્યા શખસ દ્વારા આ ઈમેઈલ મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઈમેઈલમાં પાકિસ્તાન જિંદાબાદ, ખાલિસ્તાન જિંદાબાદ અને અલ્લાહુ અકબર જેવા નારા પણ લખવામાં આવ્યા છે. આ ધમકી મળ્યા બાદ રાજ્યની સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે અને વિવિધ સ્થળોએ તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજ્યની જેલોમાં સુરક્ષા તપાસ શરૂ

ધમકીભર્યો ઈમેઈલ મળ્યા બાદ અમદાવાદની સાબરમતી જેલ સહિત ગુજરાતની વિવિધ જેલોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. જેલ પરિસરમાં શંકાસ્પદ વસ્તુઓની તપાસ માટે પોલીસની ટીમો તહેનાત કરવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી પણ તપાસ હાથ ધરવાની તૈયારી કરવામાં આવી છે.

વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે પોલીસની ટીમ પહોંચી તપાસ શરૂ કરી ચૂકી છે. બીજી તરફ રાજકોટની જેલને પણ ધમકી મળી હોવાની માહિતી સામે આવી છે. આ તમામ સ્થળોએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તપાસ અને તકેદારીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.

સાત દિવસ પહેલાં અમદાવાદની 8 સ્કૂલોને મળી હતી ધમકી

ગુજરાતમાં બોમ્બની ધમકીનો આ પહેલો કિસ્સો નથી. આશરે સાત દિવસ પહેલાં અમદાવાદની અનેક સ્કૂલોને ઈમેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

આ ધમકીમાં સેટેલાઇટ વિસ્તારની નારાયણ ગુરુ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, સેટેલાઇટની વિદ્યા ભારતી સ્કૂલ અને આંબાવાડીની સી.એન. વિદ્યાલય સહિત કુલ 8 સ્કૂલોને નિશાન બનાવવાની વાત કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે શૈક્ષણિક સંસ્થાઓ અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

દિલજીતના અમદાવાદ કોન્સર્ટને પણ નિશાન બનાવવાની ધમકી

આ ઉપરાંત 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારા પંજાબી ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટને લઈને પણ ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યા ઈમેઈલમાં કોન્સર્ટ દરમિયાન બોમ્બ હુમલો કરવાની વાત કરવામાં આવી હતી.

ઈમેઈલમાં 'બચ્ચન બોમ્બેમાં અને દિલજીત અમદાવાદમાં બોમ્બ હુમલામાં માર્યા જશે' તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી હતી.

સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ઈમેઈલ મોકલનારની તપાસ

એક પછી એક સ્કૂલો, જાહેર કાર્યક્રમો, સરકારી કચેરીઓ અને જેલોને નિશાન બનાવતી ધમકીઓ સામે આવતાં ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વધી છે. હાલ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ધમકીભર્યા ઈમેઈલની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.

હવે સૌથી મોટો સવાલ એ છે કે વારંવાર આવી ધમકીઓ આપતા ઈમેઈલ પાછળ કોણ છે અને તેનો હેતુ શું છે? ઈમેઈલ મોકલનાર વ્યક્તિ સુધી પહોંચવા માટે તપાસ એજન્સીઓ કયા પગલાં લે છે તેના પર સૌની નજર છે.