Advertisement

ગુજરાતમાં અઠવાડિયે એક દિવસ 'નો મોટર વ્હીકલ ડે': સરકારી કર્મચારીઓ માટે કાર પુલિંગ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો આગ્રહ

ગુજરાતમાં અઠવાડિયે એક દિવસ 'નો મોટર વ્હીકલ ડે': સરકારી કર્મચારીઓ માટે કાર પુલિંગ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો આગ્રહ

ગાંધીનગર: ગુજરાતમાં ઇંધણની બચત કરવા અને પર્યાવરણની જાળવણી માટે રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના અર્થતંત્ર પર પેટ્રોલ-ડીઝલની આયાતનો બોજ ઘટાડવા અને ઇંધણ વપરાશમાં કરકસર કરવા માટે કરવામાં આવેલી અપીલનો રાજ્યમાં ચુસ્ત અમલ શરૂ કરી દેવાયો છે. તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠક પહેલાં જ રાજ્યના મંત્રીઓ કાર પુલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરીને ગાંધીનગર સચિવાલય પહોંચતા આ ગ્રીન અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે.


 આ ગ્રીન અભિયાનને વધુ વેગ આપવા માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો અને મહાનગરપાલિકાના કમિશનરોને એક વિશેષ પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, વિદેશથી આયાત થતા મોંઘા પેટ્રોલ-ડીઝલને કારણે દેશના અર્થતંત્ર પર થતી વિપરીત અસરોને રોકવા માટે દરેક સ્તરે કડક પગલાં લેવા જરૂરી છે. આ માટે રાજ્યપાલે પોતે પણ કેટલાક મહત્વના સંકલ્પો લીધા છે, જેમાં પોતાના પ્રવાસો દરમિયાન વિમાન કે હેલિકોપ્ટરના બદલે જાહેર વાહનવ્યવહારનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.


 રાજ્યપાલની સૂચના અનુસાર, હવેથી રાજભવનના તમામ કર્મયોગીઓ સહિત રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં અઠવાડિયામાં એક દિવસ 'નો મોટર વ્હીકલ ડે' તરીકે નિષ્ઠાપૂર્વક ઉજવવામાં આવશે. આ દિવસે તમામ સરકારી કર્મચારીઓએ સાઇકલ, પગપાળા અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટ (જાહેર પરિવહન) દ્વારા જ ઓફિસે આવનજાવન કરવાનું રહેશે. આ ઉપરાંત, કર્મચારીઓને વાહનોના સહિયારા ઉપયોગ એટલે કે 'કાર પુલિંગ' (Car Pooling) કરવાનો પણ ખાસ આગ્રહ કરવામાં આવ્યો છે.


 ઇંધણની મહત્તમ બચત થાય તે માટે સરકારી મિટિંગો રૂબરૂ બોલાવવાના બદલે વધુમાં વધુ વીડિયો કોન્ફરન્સિંગ (VC) માધ્યમથી યોજવા માટે પણ વહીવટીતંત્રને સૂચના અપાઈ છે. આ અભિયાન માત્ર કાગળ પર ન રહી જાય તે માટે રાજ્યપાલે તમામ કલેક્ટરો અને મનપા કમિશનરો પાસેથી ઇંધણ બચત અંગેનો 'માસિક પ્રગતિ અહેવાલ' (Monthly Report) પણ મંગાવ્યો છે. સરકારના આ પગલાથી રાજ્યના યુવાઓમાં રાષ્ટ્રભાવના અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનો મોટો સંદેશ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement