ગાંધીનગર: કેન્દ્ર સરકારના 'રાઈટ ટુ એજ્યુકેશન' (RTE) એક્ટ હેઠળ રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% બેઠકો પર વિનામૂલ્યે પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા આજથી (4 એપ્રિલ) શરૂ થઈ ગઈ છે. શૈક્ષણિક વર્ષ 2026-27 માટે વાલીઓ 4 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ વર્ષે રાજ્યની 9,709 ખાનગી શાળાઓમાં કુલ 84,228 બેઠકો ઉપલબ્ધ છે.
બેઠકોનું ગણિત અને માધ્યમ
આ વર્ષે કુલ બેઠકોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ઉપલબ્ધ બેઠકોની વિગત નીચે મુજબ છે:
ગુજરાતી માધ્યમ: 41,411 બેઠકો
અંગ્રેજી માધ્યમ: 40,262 બેઠકો
હિન્દી માધ્યમ: 2,235 બેઠકો
અન્ય માધ્યમ: 320 બેઠકો
આ વર્ષે શું નવું છે? (મહત્વના ફેરફારો)
પાળી પદ્ધતિનો વિકલ્પ: રાજ્યની 56 શાળાઓ પાળી પદ્ધતિ (સવાર-બપોર) માં ચાલે છે. આ વર્ષે વાલીઓને ફોર્મ ભરતી વખતે જ પોતાની પસંદગીની પાળી પસંદ કરવાનો અલગથી વિકલ્પ આપવામાં આવશે.
અગ્રતાક્રમમાં ફેરફાર: આ વર્ષે પ્રવેશ માટેના અગ્રતાક્રમ (Priority List) માં મોટો ફેરફાર કરાયો છે. ખાસ કરીને આંગણવાડીના બાળકોના ક્રમમાં ફેરફાર જોવા મળ્યો છે.
કોને મળશે પહેલો પ્રવેશ? (નવો અગ્રતાક્રમ)
RTE હેઠળ કુલ 13 કેટેગરીના બાળકોને મેરિટ મુજબ પ્રવેશ અપાય છે, જેનો ક્રમ નીચે મુજબ રહેશે:
અનાથ બાળકો
સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકો
બાલગૃહના બાળકો
બાળમજૂર અથવા સ્થળાંતરિત મજૂરના બાળકો
વિકલાંગ, મંદબુદ્ધિ કે સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો
HIV ગ્રસ્ત (ART સારવાર લેતા) બાળકો
શહીદ લશ્કરી કે પોલીસ જવાનોના બાળકો
જે માતા-પિતાને સંતાનમાં માત્ર એક જ દીકરી હોય
SC/ST અને જનરલ કેટેગરીના BPL કાર્ડ ધરાવતા બાળકો
SC/ST કેટેગરીના બાળકો
SEBC/EWS અને વિચરતી-વિમુક્ત જાતિના બાળકો
રાજ્ય સરકારની આંગણવાડીના બાળકો (ગત વર્ષે આ ક્રમ 9મો હતો, જે હવે 12મો કરાયો છે)
સામાન્ય કેટેગરી (બિનઅનામત) ના બાળકો
શા માટે આંગણવાડીના બાળકોનો ક્રમ પાછળ ગયો?
ગત વર્ષે આંગણવાડીના આશરે 34 હજાર બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. જોકે, એવી ફરિયાદો ઉઠી હતી કે ઘણા લોકો ખરેખર આંગણવાડીમાં ભણતા ન હોવા છતાં ખોટા દાખલા રજૂ કરીને પ્રવેશ મેળવી લેતા હતા. આ ગેરરીતિ રોકવા માટે આ વર્ષે તેમનો અગ્રતાક્રમ EWS થી પણ પાછળ એટલે કે 12મા ક્રમે લઈ જવામાં આવ્યો છે.
વાલીઓ માટે ખાસ નોંધ: 17 એપ્રિલ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી, તમામ જરૂરી દસ્તાવેજો સાથે વહેલી તકે ઓનલાઈન અરજી કરી દેવી હિતાવહ છે.