ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હાલ ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારમાં લો-પ્રેશર એરિયા સક્રિય છે. તેની સાથે આશરે 4.5 કિલોમીટર સુધી વિસ્તરેલું સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. ચોમાસાની ટ્રફ લાઈન પણ સક્રિય હોવાથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે.
હવે વાત કરીએ અમદાવાદની.
અમદાવાદમાં આગામી દિવસોમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે.
ગઈકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી, જ્યારે લઘુત્તમ તાપમાન 26.6 ડિગ્રી નોંધાયું હતું.
અમદાવાદમાં 1 જૂનથી અત્યાર સુધીમાં સિઝનનો કુલ 593.3 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય વરસાદ કરતાં 51.4 મિલીમીટર વધુ છે. એટલે કે, અમદાવાદમાં આ સિઝનમાં અત્યાર સુધી વરસાદ સામાન્ય કરતાં વધુ રહ્યો છે.
🌦️ હવે વાત કરીએ વિવિધ જિલ્લાઓની
આગામી બે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને આણંદમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
☁️ 23થી 30 ઓગસ્ટ સુધી કેવું રહેશે હવામાન?
23થી 30 ઓગસ્ટ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા યથાવત્ રહેવાની છે.
28થી 30 ઓગસ્ટ દરમિયાન પણ હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી.
જોકે, રાહતની વાત એ છે કે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં ક્યાંય પણ અતિભારે વરસાદની કોઈ ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.
એટલે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ તો રહેશે, પરંતુ અતિભારે વરસાદની મોટી સિસ્ટમ હાલમાં જોવા મળી રહી નથી.