ગુજરાતી ફિલ્મ ‘મિત્રતા’ને હાર્દિક પંડ્યાની શાબાશી, 28 વર્ષના જશ વીરાની પ્રોડ્યુસર તરીકે નવી શરૂઆત

ગુજરાતી ફિલ્મ ‘મિત્રતા’ને હાર્દિક પંડ્યાની શાબાશી, 28 વર્ષના જશ વીરાની પ્રોડ્યુસર તરીકે નવી શરૂઆત

ગુજરાતી ફિલ્મ ‘મિત્રતા’ હાલ ચર્ચામાં છે. ફિલ્મને ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા તરફથી પણ પ્રશંસા મળી છે. અભિનેતા વિરાજ ઘેલાણીએ સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાની વૉટ્સએપ વૉઇસ નોટ શેર કરી હતી, જેમાં ક્રિકેટરે ફિલ્મની પ્રશંસા કરતાં ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. બીજી તરફ, માત્ર 28 વર્ષની ઉંમરે રિયલ એસ્ટેટ, હૉસ્પિટાલિટી અને થિયેટર ક્ષેત્રે પોતાની ઓળખ બનાવનાર જશ નીતા પ્રફુલ વીરાએ આ ફિલ્મથી ગુજરાતી સિનેમામાં પ્રોડ્યુસર તરીકે પ્રવેશ કર્યો છે.

હાર્દિક પંડ્યાએ શું કહ્યું?

વિરાજ ઘેલાણીને મોકલેલી વૉઇસ નોટમાં હાર્દિક પંડ્યાએ ફિલ્મની વાર્તા અને તેના ભાવનાત્મક પાસાંની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું, “ડાર્લિંગ, તારી મૂવી જોઈ. બહુ મસ્ત બનાવી છે તમે લોકોએ. બહુ ક્યૂટ, બહુ સરસ. વેરી વેલ ડન ઓન યુ, વેરી વેલ ડન ટુ એવરીવન. બહુ મજા આવી. હસાવ્યા, રડાવ્યા, લોટ્સ ઑફ લવ…”

હાર્દિકની આ પ્રતિક્રિયા બાદ ફિલ્મને લઈને ચાહકોમાં વધુ ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મમાં મિત્રતાની સાથે હાસ્ય અને લાગણીઓનું મિશ્રણ રજૂ કરવામાં આવ્યું છે, જે દર્શકોને જોડવાનો પ્રયાસ કરે છે.

28 વર્ષની ઉંમરે અનેક ક્ષેત્રોમાં જશ વીરાની ઓળખ

જશ નીતા પ્રફુલ વીરાએ નાની ઉંમરે અલગ-અલગ વ્યવસાયોમાં કામ કરીને પોતાની ઓળખ ઊભી કરી છે. તેમણે શરૂઆત રિયલ એસ્ટેટ ક્ષેત્રથી કરી હતી અને ‘વીરા ગ્રુપ’ની સ્થાપના કરી હતી. મુંબઈના વિવિધ વિસ્તારોમાં તેમની કંપની દ્વારા નવથી વધુ પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જશ પોતાના નામની સાથે માતા અને પિતા બંનેનાં નામનો ઉપયોગ કરે છે. રિયલ એસ્ટેટમાં સફળતા બાદ તેમણે હૉસ્પિટાલિટી ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો અને પૂર્વ મુંબઈમાં ‘થિયોના’ રેસ્ટોરાં શરૂ કરી હતી.

રિયલ એસ્ટેટથી થિયેટર અને હવે ગુજરાતી સિનેમા સુધીની સફર

વ્યવસાયિક ક્ષેત્રે આગળ વધ્યા બાદ જશે પર્ફોર્મિંગ આર્ટ્સ તરફ પણ ધ્યાન આપ્યું હતું. ‘વીર એન્ટરટેઇનમેન્ટ એન્ડ મીડિયા’ના માધ્યમથી તેમણે ‘ભારતનો લાડકવાયો: દીનદયાળ’ નાટક સાથે થિયેટરની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ નાટક બાદ તેમણે ફિલ્મ નિર્માણ તરફ આગળ વધવાનો નિર્ણય લીધો.

‘જશ વીરા ફિલ્મ્સ’ના બેનર હેઠળ બનેલી ‘મિત્રતા’માં જશ વીરાએ પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ સાથે કો-પ્રોડ્યુસર તરીકે કામ કર્યું છે. આ રીતે રિયલ એસ્ટેટ અને હૉસ્પિટાલિટી બાદ ગુજરાતી મનોરંજન ક્ષેત્રમાં પણ તેમણે પોતાની સફર શરૂ કરી છે.

ત્રણ પાક્કા મિત્રો અને લાગણીઓની વાર્તા છે ‘મિત્રતા’

25 સપ્ટેમ્બરે ગુજરાત અને મુંબઈમાં રિલીઝ થયેલી આ ગુજરાતી ફિલ્મની વાર્તા ત્રણ ગાઢ મિત્રો—મોક્ષ, વેદ અને અભિન—ની આસપાસ ફરે છે. ફિલ્મમાં કોલેજકાળની મસ્તી, મિત્રોની વચ્ચેના સંબંધો અને જીવનમાં આવતા મુશ્કેલ સમય દરમિયાન એકબીજાનો સાથ આપવાની ભાવના દર્શાવવામાં આવી છે.

ફિલ્મમાં વિરાજ ઘેલાણી અભિન તરીકે, દીપ વૈદ્ય મોક્ષ તરીકે, વિશાલ પારેખ વેદ તરીકે અને વિશ્વા જોશી જિયા તરીકે જોવા મળે છે. ફિલ્મનું દિગ્દર્શન ઓનીલ કાર્ણિકે કર્યું છે, જ્યારે તેની વાર્તા અને લેખન સાથે ભાવિક પંડ્યા જોડાયેલા છે.

‘મિત્રતા એન્થમ’ પણ બન્યું આકર્ષણનું કેન્દ્ર

ફિલ્મના સંગીતે પણ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. પાર્થિવ કે. શાહે ફિલ્મનું સંગીત આપ્યું છે. ફિલ્મનું ‘મિત્રતા એન્થમ’ ખાસ લોકપ્રિય બન્યું છે. આ ગીતને અમિત ત્રિવેદીએ અવાજ આપ્યો છે, જ્યારે તેના ગીતકારો જૉય મહેતા અને દિવ્યેશ મુંગરા છે.

મિત્રતાની લાગણીઓને સંગીત દ્વારા રજૂ કરતું આ ગીત ફિલ્મની ઓળખનો મહત્ત્વનો ભાગ બન્યું છે.

ગુજરાતી સિનેમા માટે નવી તક

‘મિત્રતા’ દ્વારા જશ વીરાએ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે નવી શરૂઆત કરી છે. બીજી તરફ, હાર્દિક પંડ્યા જેવા જાણીતા ક્રિકેટર તરફથી મળેલી પ્રશંસાએ ફિલ્મને વધુ ચર્ચામાં લાવી છે. મિત્રતા, હાસ્ય અને લાગણીઓ પર આધારિત આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં યુવા નિર્માતાઓના વધતા રસનું પણ ઉદાહરણ છે.

હવે ફિલ્મને દર્શકો તરફથી કેવો પ્રતિસાદ મળે છે અને જશ વીરા ભવિષ્યમાં કયા નવા પ્રોજેક્ટ્સ લઈને આવે છે, તેના પર સૌની નજર રહેશે.