ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’નું ટ્રેલર રિલીઝ: હનુમાનજી દાદાની મહિમા અને ભક્તિની અનોખી કહાની, 27 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ

ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’નું ટ્રેલર રિલીઝ: હનુમાનજી દાદાની મહિમા અને ભક્તિની અનોખી કહાની, 27 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ

ગુજરાતીઓની આસ્થાનું કેન્દ્ર એવા સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની મહિમા હવે મોટા પડદા પર જોવા મળશે. ઝી સ્ટુડિયોઝ અને વામિકા પ્રોડક્શનના બેનર હેઠળ તૈયાર થયેલી ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલર લોન્ચ નિમિત્તે સાળંગપુર ધામ ખાતે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ફિલ્મમાં ભક્તિ, શ્રદ્ધા, ઇતિહાસ અને આજના યુવાનોના મનમાં ઉદ્ભવતા સવાલોને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યા છે. ટ્રેલર સામે આવ્યા બાદ ફિલ્મને લઈને ગુજરાતી દર્શકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

શ્રદ્ધા અને સંશય વચ્ચેની કહાની રજૂ કરશે ફિલ્મ

ફિલ્મના ટ્રેલરની શરૂઆત હનુમાનજી દાદાની સ્તુતિ અને ભક્તિભાવથી થાય છે. વાર્તામાં ત્રણ મિત્રો પોતાના ચોથા મિત્રનો જીવ બચાવવાની આશા સાથે સાળંગપુર ધામ પહોંચે છે.

એક તરફ હનુમાનજી દાદા પ્રત્યે ભક્તોની અતૂટ શ્રદ્ધા જોવા મળે છે, તો બીજી તરફ યુવાનોના મનમાં અનેક સવાલો અને સંશયો છે. આસ્થા અને તર્ક વચ્ચે ચાલતી આ વિચારધારાને ફિલ્મમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે.

વિક્રમ સંવત 1905ના ઇતિહાસને પણ દર્શાવાયો

‘કિંગ ઓફ સાળંગપુર’ની વાર્તામાં સાળંગપુર ધામના ઇતિહાસને પણ વણી લેવામાં આવ્યો છે. યુવાનોના મનમાં રહેલા સવાલોના જવાબ આપવા એક વડીલ તેમને દાદાના ઇતિહાસ વિશે જણાવે છે.

વાર્તાની શરૂઆત વિક્રમ સંવત 1905થી થાય છે, જ્યારે ખાંભીમાંથી કષ્ટભંજન દેવની પ્રતિમા આકાર લે છે. ફિલ્મમાં ભૂતકાળના ઐતિહાસિક પ્રસંગો અને વર્તમાન સમયની ઘટનાઓને એકસાથે જોડવામાં આવી છે.

મિત્રને બચાવવા ત્રણ મિત્રો પહોંચે છે દાદાના શરણે

ફિલ્મમાં ધ્વનિત નામનો યુવક નિષ્ફળતાઓથી નિરાશ થઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. તેની મુશ્કેલીના સમયમાં તેને બચાવવા માટે મિત્રો પ્રયાસ કરે છે, પરંતુ જ્યારે તમામ રસ્તા બંધ થતા જણાય છે ત્યારે ત્રણેય મિત્રો હનુમાનજી દાદાના શરણે પહોંચે છે.

ત્યારબાદ દાદાની કૃપા, ભક્તોની શ્રદ્ધા અને મુશ્કેલીના સમયમાં આસ્થા કેવી રીતે આશાનું કિરણ બની શકે છે, તે ફિલ્મની મુખ્ય કહાનીનો ભાગ છે.

27 નવેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં થશે રિલીઝ

પ્રશાંત દેશાવલના દિગ્દર્શન હેઠળ બનેલી આ ફિલ્મની વાર્તા સંજય પ્રજાપતિએ લખી છે. ફિલ્મમાં આકાશ પંડ્યા, આર.જે. સલોની, ભૂષણ ભટ્ટ, ભાવિન અને મયૂર કુમાર સહિતના કલાકારો મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

‘કિંગ ઓફ સાળંગપુર’ 27 નવેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. હવે દર્શકોમાં ઉત્સુકતા છે કે હનુમાનજી દાદાની મહિમા, સાળંગપુરનો ઇતિહાસ અને આધુનિક યુવાનોની શ્રદ્ધાની આ કહાની મોટા પડદા પર કેવી રીતે રજૂ થાય છે.