આજે 24 ઓગસ્ટ… વિશ્વ ગુજરાતી ભાષા દિવસ.
પરંતુ આજે જ ગુજરાતી ભાષાને લઈને એક એવો મુદ્દો સામે આવ્યો છે, જેને લઈને શિક્ષણ જગતમાં ચર્ચા શરૂ થઈ છે.
મુદ્દો છે ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકમાં રહેલી કથિત વ્યાકરણની ભૂલોનો.
દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્ષ 2016માં ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત ધોરણ-9ના ગુજરાતી પાઠ્યપુસ્તકના પેજ નંબર 32 પર જ અનેક ભૂલો જોવા મળે છે.
પ્રોફેસર બી. સી. રાઠોડના જણાવ્યા પ્રમાણે, આ એક જ પેજ પર આશરે 16 જેટલી ભૂલો છે. જેમાં માત્ર જોડણી કે પ્રિન્ટિંગની ભૂલો નહીં, પરંતુ વ્યાકરણ અને કન્સેપ્ટની ભૂલો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ઉદાહરણ તરીકે, ‘અત્યારે’, ‘હાલમાં’ અને ‘હમણાં’ જેવા શબ્દોને પાઠ્યપુસ્તકમાં સર્વનામ તરીકે દર્શાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. જ્યારે પ્રોફેસરના મતે આ શબ્દો ક્રિયાવિશેષણ છે.
એટલું જ નહીં, ‘એ મંદિર અપૂજ રહે છે’ જેવા વાક્યમાં ‘એ’ને દર્શક સર્વનામ તરીકે દર્શાવવામાં આવ્યું છે. જ્યારે પ્રોફેસર રાઠોડના મતે અહીં ‘એ’ દર્શક વિશેષણ છે.
આ મામલો માત્ર પાઠ્યપુસ્તક પૂરતો નથી. દાવો છે કે અગાઉ TET-TAT જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલા જવાબોને લઈને વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી હતી.
નિવૃત્ત પ્રાધ્યાપિકા અને ગુજરાતી ભાષાવિદ્ ડૉ. રક્ષાબહેન દવેના જણાવ્યા પ્રમાણે પણ પેજ નંબર 32 પર સર્વનામના પ્રકારો સમજાવવામાં કેટલીક ગંભીર ભૂલો છે. તેમના મતે સ્થાનવાચક, સમયવાચક, રીતિવાચક, જથ્થાવાચક અને અન્ય કેટલાક પ્રકારોને સર્વનામ તરીકે દર્શાવવા સામે પ્રશ્નો ઊભા થાય છે.
સૌથી ગંભીર બાબત એ છે કે પ્રોફેસર બી. સી. રાઠોડે વર્ષ 2017માં જ આ ભૂલો અંગે પાઠ્યપુસ્તક મંડળનું ધ્યાન દોર્યું હોવાનો દાવો કર્યો છે.
તો સવાલ એ છે કે વિદ્યાર્થીઓને ગુજરાતી વ્યાકરણ શીખવતા પાઠ્યપુસ્તકમાં જ જો આવી ભૂલો હોય, તો જવાબદાર કોણ?
અને સૌથી મોટો સવાલ—વર્ષો પહેલાં ધ્યાન દોર્યા બાદ પણ આ ભૂલો હજુ સુધી કેમ સુધારાઈ નથી?