અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તાને લઈને વિવાદ સામે આવ્યો છે. વિદ્યાર્થિનીઓને પીરસવામાં આવેલા ભોજનમાંથી જીવાત મળી આવ્યાનો આક્ષેપ થતાં હોસ્ટેલમાં ભારે હોબાળો મચ્યો હતો. ભોજન કર્યા બાદ એક વિદ્યાર્થિનીની તબિયત લથડતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.
ઘટનાને પગલે હોસ્ટેલની 100થી વધુ વિદ્યાર્થિનીઓએ વિરોધ નોંધાવી હોસ્ટેલની બહાર ધરણાં કર્યા હતા. વિદ્યાર્થિનીઓ સાથે ABVPના કાર્યકર્તાઓ પણ વિરોધમાં જોડાયા હતા. આ દરમિયાન વોર્ડન સામે નારા લગાવીને ભોજનની ગુણવત્તા અને હોસ્ટેલ મેનેજમેન્ટની કામગીરી અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
ભોજનની ગુણવત્તાને લઈને લાંબા સમયથી ફરિયાદ
મળતી માહિતી મુજબ સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં આશરે 800 વિદ્યાર્થિનીઓ રહે છે. અહીં ભોજન પૂરું પાડવાની કામગીરી ‘પ્રમુખ ભોજન’ નામની એજન્સીને સોંપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.
વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક સમયથી ભોજનની ગુણવત્તાને લઈને વારંવાર ફરિયાદો સામે આવી રહી છે. ભોજનમાંથી જીવાત મળી આવવાની ઘટનાઓ અંગે પણ હોસ્ટેલના વોર્ડન અને મેનેજમેન્ટને જાણ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
4 વખત નોટિસ છતાં સમસ્યા યથાવત હોવાનો આક્ષેપ
વિદ્યાર્થિનીઓના જણાવ્યા મુજબ ભોજનમાંથી જીવાત મળવા અને ગુણવત્તા અંગેની ફરિયાદોને પગલે સંબંધિત એજન્સીને અત્યાર સુધીમાં ચાર વખત નોટિસ આપવામાં આવી છે. જોકે, નોટિસ બાદ પણ પરિસ્થિતિમાં જરૂરી સુધારો થયો નથી અને આવી ઘટનાઓ ફરી સામે આવી રહી હોવાનો વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો છે.
વિદ્યાર્થિનીઓએ એજન્સી સામે માત્ર નોટિસની કાર્યવાહી પૂરતી ન રાખી કડક પગલાં ભરવાની માંગ કરી છે. સાથે જ હોસ્ટેલમાં આપવામાં આવતા ભોજનની ગુણવત્તાની નિયમિત તપાસ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
મેનેજમેન્ટ સામે પણ રોષ
ભોજનની ગુણવત્તાને લઈને વારંવાર ફરિયાદો છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવતા વિદ્યાર્થિનીઓમાં રોષ જોવા મળ્યો હતો. વિરોધ દરમિયાન વિદ્યાર્થિનીઓએ મેનેજમેન્ટને બહાર બોલાવી જવાબ માગ્યો હતો.
હાલ સમગ્ર મામલે હોસ્ટેલ મેનેજમેન્ટ અને સંબંધિત એજન્સી તરફથી સત્તાવાર રીતે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. બીજી તરફ, વિદ્યાર્થિનીઓએ ગુણવત્તાયુક્ત અને સ્વચ્છ ભોજનની વ્યવસ્થા થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની માંગ કરી છે.