ગાંધીનગર :દેશ અને રાજ્યમાં વર્તમાન સમયમાં સર્જાયેલી રાંધણ ગેસની ભયંકર અછત અને વધતી કટોકટીના મુદ્દે આજે ગુજરાત વિધાનસભા સંકુલ રણમેદાનમાં ફેરવાયું હતું. ગેસના બાટલા માટે સામાન્ય જનતાને પડતી હાલાકી અને પશ્ચિમ એશિયાના સંઘર્ષની અસર વચ્ચે, ગુજરાત કોંગ્રેસે સરકાર સામે મોરચો ખોલ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ માથે લાકડાના ભારા અને ગેસના ખાલી બાટલા લઈ વિધાનસભાની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસ અને ધારાસભ્યો વચ્ચે થયેલા સંઘર્ષને કારણે વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું.
ટોચના નેતાઓની આગેવાનીમાં સરકાર સામે સૂત્રોચ્ચાર
દિલ્હીમાં સંસદ ભવન ખાતે થયેલા વિરોધ પ્રદર્શનના પડઘા આજે ગુજરાત વિધાનસભામાં જોવા મળ્યા હતા. કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને જિજ્ઞેશ મેવાણી સહિતના અંદાજે ૧૨ જેટલા ધારાસભ્યોએ ગેસ કટોકટી મુદ્દે સરકારની નિષ્ફળતાનો આરોપ લગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષનો આક્ષેપ છે કે રાજ્યમાં LPG અને નેચરલ ગેસની ભારે અછત હોવા છતાં સરકાર સ્થિતિ કાબૂમાં હોવાના પોકળ દાવા કરી રહી છે.
ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઘર્ષણ: અમૃતજી ઠાકોર જમીન પર પટકાયા
વિરોધ પ્રદર્શન દરમિયાન વિધાનસભાના પગથિયાં પર અફરાતફરી સર્જાઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરને પોલીસ કર્મીઓ દ્વારા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવતા તે સંતુલન ગુમાવીને પગથિયાં પર પડી ગયા હતા. આ ઘટનાને પગલે કોંગ્રેસના અન્ય નેતાઓ રોષે ભરાયા હતા અને પોલીસ સાથે ઉગ્ર શાબ્દિક સંઘર્ષ થયો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય ગરમાવો વધી ગયો છે.
કેમ સર્જાઈ છે ગેસની કટોકટી?
પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિને કારણે ભારત આવતા ગેસના પુરવઠામાં વિક્ષેપ પડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સર્જાયેલી આ સ્થિતિની અસર રૂપે ભારતમાં LPG રિફિલ માટે ગ્રાહકોને લાંબો વેઇટિંગ પીરિયડ સહન કરવો પડી રહ્યો છે. બ્લેક માર્કેટિંગને રોકવા માટે તંત્ર દ્વારા નવા નિયમો પણ લાદવામાં આવ્યા છે. બીજી તરફ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે સ્થિતિ સામાન્ય હોવાનો દાવો કર્યો છે, પરંતુ કોંગ્રેસે આ મુદ્દે વિધાનસભાના ચાલુ સત્રમાં સરકારને ઘેરવાની પૂરી તૈયારી કરી લીધી છે.