ગાંધીનગર: ગુજરાતમાં આગામી 26 એપ્રિલ, 2026 ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતા જ ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. હવે રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની બેઠકો પર કુલ 26,196 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.
ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ: 1,536 ઉમેદવારો મેદાનમાંથી હટ્યા
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ સુધીમાં રાજ્યભરમાંથી કુલ 1,536 ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચ્યા છે. આ આંકડાઓમાં સૌથી વધુ અસર તાલુકા પંચાયતમાં જોવા મળી છે, જ્યાં 773 ઉમેદવારોએ ચૂંટણી જંગમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. જ્યારે રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં 124 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. નોંધનીય છે કે, ચકાસણી દરમિયાન કુલ 11,344 ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા હતા.
નગરપાલિકાઓમાં બિનહરીફનો દબદબો: 313 બેઠકો પર ચૂંટણી નહીં યોજાય
આ વખતની ચૂંટણીમાં અનેક બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. કુલ 313 બેઠકો એવી છે જ્યાં એકમાત્ર ઉમેદવાર હોવાથી તેમને વિજેતા જાહેર કરાયા છે. જેમાં સૌથી વધુ આશ્ચર્યજનક આંકડો નગરપાલિકાઓનો છે, જ્યાં 276 બેઠકો પર કોઈ જંગ ખેલાશે નહીં. જોકે, જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પર એક પણ ઉમેદવાર બિનહરીફ થયો નથી, જે સૂચવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં રાજકીય પક્ષો વચ્ચે ભારે રસાકસી જોવા મળશે.
26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે આવશે પરિણામ
આગામી 26 એપ્રિલે ગુજરાતની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ વખતની ચૂંટણી ખાસ છે કારણ કે તેમાં ઓબીસી (OBC) અનામત બેઠકોના નવા રોટેશન મુજબ પ્રક્રિયા કરવામાં આવી છે. લાખો મતદારો ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં કેદ કરશે, જેનું પરિણામ 28 એપ્રિલ, 2026 ના રોજ જાહેર કરવામાં આવશે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આંકડા
1. મહાનગરપાલિકા:
કુલ 5,986 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 2,608 ફોર્મ રદ થયા છે. 124 ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા બાદ અને 34 બેઠકો બિનહરીફ જાહેર થયા પછી હવે 3,220 બેઠકો પર ચૂંટણી યોજાશે.
2. નગરપાલિકા:
કુલ 7,819 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 1,524 ફોર્મ રદ થયા છે. 400 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે અને 276 બેઠકો બિનહરીફ થઈ છે. હવે કુલ 5,619 બેઠકો માટે જંગ જામશે.
3. નગરપાલિકા પેટાચૂંટણી:
કુલ 40 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 11 રદ થયા અને 4 ફોર્મ ખેંચાયા છે. 3 બેઠકો બિનહરીફ થતા હવે માત્ર 22 બેઠકો પર જ મતદાન થશે.
4. જિલ્લા પંચાયત:
કુલ 4,906 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 1,542 ફોર્મ રદ થયા છે. 235 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. અહીં એક પણ બેઠક બિનહરીફ થઈ નથી, તેથી તમામ 3,129 બેઠકો પર રસાકસી થશે.
5. તાલુકા પંચાયત:
સૌથી વધુ 20,638 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 5,659 ફોર્મ રદ થયા છે. 773 ઉમેદવારોએ નામ પાછા ખેંચ્યા છે. અહીં પણ કોઈ બિનહરીફ થયું નથી, એટલે કુલ 14,206 બેઠકો પર ચૂંટણી યોજાશે.