Advertisement

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટો નિર્ણય: ઉમેદવારોના ચૂંટણી ખર્ચની મર્યાદામાં તોતિંગ વધારો, જાણો હવે કેટલો કરી શકાશે ખર્ચ

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટો નિર્ણય: ઉમેદવારોના ચૂંટણી ખર્ચની મર્યાદામાં તોતિંગ વધારો, જાણો હવે કેટલો કરી શકાશે ખર્ચ

ગાંધીનગર: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારો માટે રાહતના સમાચાર આવ્યા છે. પંચ દ્વારા ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની નવી મર્યાદા નક્કી કરવામાં આવી છે. વર્ષ 2021ના જૂના ઠરાવમાં મહત્વનો સુધારો કરીને, વધતી જતી મોંઘવારી અને વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને ખર્ચની મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ચૂંટણી લડતા ઉમેદવારોને પ્રચાર પ્રસારમાં મોટી મોકળાશ મળશે.


ખર્ચ મર્યાદામાં મોટો ફેરફાર: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે 9 લાખની છૂટ

નવા નિયમો મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશન (મહાનગરપાલિકા) ની ચૂંટણીમાં ઉમેદવાર દીઠ ખર્ચ મર્યાદામાં 3 લાખનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ઉમેદવાર માત્ર 6 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકતા હતા, જે મર્યાદા હવે વધારીને 9 લાખ રૂપિયા કરવામાં આવી છે. તેવી જ રીતે, જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો માટે પણ ખર્ચની મર્યાદા વધારીને રૂ. 6 લાખ કરવામાં આવી છે. આ ફેરફારને કારણે મોટા ગજાના ઉમેદવારો હવે વધુ આક્રમક રીતે પ્રચાર કરી શકશે.


મોંઘવારી અને સોશિયલ મીડિયાના યુગમાં ફેરફાર અનિવાર્ય

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા છેલ્લે 2021માં ખર્ચ મર્યાદામાં સુધારો કરવામાં આવ્યો હતો. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રચારના સાધનો, વાહનોનું ભાડું, સોશિયલ મીડિયા માર્કેટિંગ અને હોર્ડિંગ્સના ખર્ચમાં જંગી વધારો થયો છે. ઉમેદવારો દ્વારા સતત રજૂઆત કરવામાં આવતી હતી કે જૂની મર્યાદામાં વ્યવસ્થિત પ્રચાર કરવો મુશ્કેલ છે. આ માંગણીઓને ગંભીરતાથી લઈને પંચે ગ્રામ પંચાયતથી લઈને મહાનગરપાલિકા સુધીના તમામ સ્તરે ખર્ચના સ્લેબમાં ફેરફાર કર્યો છે.


ખર્ચનો હિસાબ આપવામાં રાખવી પડશે પારદર્શિતા

ભલે ખર્ચ કરવાની મર્યાદા વધારવામાં આવી હોય, પરંતુ ચૂંટણી પંચે કડક સૂચના આપી છે કે દરેક ઉમેદવારે પોતાના ખર્ચનો સચોટ અને પારદર્શક હિસાબ પંચને રજૂ કરવો પડશે. પ્રચાર દરમિયાન થતા નાનામાં નાના ખર્ચની નોંધ રાખવી ફરજિયાત છે. આગામી દિવસોમાં જ્યારે ચૂંટણીનો જંગ જામશે, ત્યારે આ નવી ખર્ચ મર્યાદા ઉમેદવારો માટે આર્થિક વ્યવસ્થાપનની દૃષ્ટિએ મોટી રાહત સાબિત થશે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ નિર્ણયથી ચૂંટણી પ્રચાર વધુ હાઈટેક અને વ્યાપક બનશે.


 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પ્રકાર અને ઉમેદવાર દીઠ ખર્ચ

  • મહાનગર પાલિકા વોર્ડ દીઠ ઉમેદવાર: 9.૦૦ લાખ

  • ૧ થી ૯ વોર્ડ ધરાવતી ન.પા. માટે: ૨.૨૫ લાખ

  • ૯ થી વધુ વોર્ડ ધરાવતી ન.પા. માટે: ૩.૫૦ લાખ

  • જિલ્લા પંચાયતમાં ઉમેદવાર દીઠ: ૬.૦૦ લાખ

  • તાલુકા પંચાયતમાં ઉમેદવાર દીઠ: ૩.૦૦ લાખ

  • ગ્રામ પંચાયત - ૧૨ વોર્ડ સુધી: ૨૫,૦૦૦

  • ગ્રામ પંચાયત - ૧૩ થી ૨૨ વોર્ડ સુધી: ૪૫,૦૦૦

  • ગ્રામ પંચાયત - ૨૩ કે તેથી વધુ વોર્ડ માટે: ૭૦,૦૦૦

Advertisement