ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. મોડી રાત્રે જાહેર કરાયેલા આદેશો અનુસાર રાજ્યના કુલ 72 જેટલા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અનેક મહત્વના જિલ્લાઓના કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણયને વહીવટી તંત્રમાં મોટા બદલાવ તરીકે જોવામાં આવી રહ્યો છે.
અમદાવાદ, સુરત, કચ્છ-ભુજ, ભરૂચ, નર્મદા, મોરબી, નવસારી, દાહોદ, ખેડા, ગીર સોમનાથ, અરવલ્લી, બોટાદ, જૂનાગઢ, વાવ-થરાદ સહિતના અનેક જિલ્લાઓના કલેક્ટરોની બદલી કરવામાં આવી છે. સાથે સાથે તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાના કલેક્ટરોને પણ નવી નિમણૂકો આપવામાં આવી છે.
અમદાવાદના કલેક્ટર સુજીત કુમારની બદલી કરીને તેમને સ્પેશિયલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, અમદાવાદ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સુરતના કલેક્ટર સૌરભ પારધીને ખાદ્ય અને નાગરિક પુરવઠા નિયામકના અધિક સચિવ તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે.
ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણીને ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ભરૂચના નવા કલેક્ટર તરીકે ડૉ. નવનાથ ગૌહાનેની નિમણૂક કરવામાં આવી છે. જામનગર મનપાના કમિશનર ડી.એન. મોદીની બદલી કરીને તેમને ગાંધીનગરના વિકાસ કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. વાવ-થરાદના કલેક્ટર જે.એસ. પ્રજાપતિને ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે હાલના ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાની બદલી કરીને તેમને ગીર સોમનાથ જિલ્લાના નવા કલેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
જૂનાગઢમાં પણ વહીવટી બદલાવ જોવા મળ્યો છે. ટુરિઝમ વિભાગના મેનેજિંગ ડિરેક્ટર પ્રભવ જોશીને જૂનાગઢ મનપા કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, જ્યારે યોગેશ ચૌધરીને જૂનાગઢના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાપી-વ્યારા જિલ્લાના નવા કલેક્ટર તરીકે દેવ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે.
રાજ્ય સરકારના આ વ્યાપક ફેરફારો બાદ વિવિધ જિલ્લાઓ અને વિભાગોમાં નવી જવાબદારીઓ સંભાળતા અધિકારીઓ માટે આગામી સમયમાં મહત્વપૂર્ણ કામગીરી અને પડકારો ઉભા થવાના છે.