ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) અને મહેસૂલ વિભાગ દ્વારા 27 માર્ચ, 2026ના રોજ રાજ્યના વહીવટી માળખામાં મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. વહીવટી કાર્યક્ષમતા વધારવા અને સરકારની યોજનાઓનો લાભ પાયાના સ્તર સુધી પહોંચે તે હેતુથી સરકારે એકસાથે પાંચ અલગ-અલગ આદેશો જાહેર કર્યા છે. આ આદેશો હેઠળ ઉચ્ચ IAS અધિકારીઓથી લઈને નાયબ મામલતદાર કક્ષા સુધીના અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ ફેરફારોમાં નવા પ્રભારી સચિવોની નિમણૂક, GAS કેડરના અધિકારીઓની બદલી તેમજ મામલતદાર કક્ષાની બઢતી-બદલીનો સમાવેશ થાય છે. રાજ્યના વહીવટી તંત્રમાં આ બદલાવો તાત્કાલિક અસરથી અમલમાં મુકાયા છે.
13 નાયબ મામલતદારોનું રિવર્ઝન
સરકારના નિર્ણય મુજબ રાજ્યના 13 નાયબ મામલતદારોએ મામલતદાર તરીકે મળેલી બઢતી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. વ્યક્તિગત કારણોસર જવાબદારી સ્વીકારવા અસમર્થતા દર્શાવતા આ અધિકારીઓને તેમના મૂળ સંવર્ગમાં પરત મોકલવામાં આવ્યા છે. આ સાથે જ તેઓ ભવિષ્યમાં આ બઢતી સંબંધિત કોઈ પણ આર્થિક લાભ અથવા વરિષ્ઠતાનો દાવો કરી શકશે નહીં.
નાયબ મામલતદારોને વર્ગ-2 મામલતદાર તરીકે બઢતી
મહેસૂલ વિભાગે રાજ્યના વહીવટી તંત્રને વધુ મજબૂત બનાવવા માટે નાયબ મામલતદાર (વર્ગ-3) સંવર્ગના અનેક અધિકારીઓને હંગામી ધોરણે મામલતદાર (વર્ગ-2) તરીકે બઢતી આપી છે. બઢતી મેળવનાર અધિકારીઓને મહેસાણા, રાજકોટ, સુરત અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવી છે. આ તમામ નિમણૂકો ગુજરાત હાઈકોર્ટના અંતિમ ચુકાદાને આધીન રહેશે.
વહીવટી નિમણૂકો અને આંતરિક બદલીઓ
મામલતદાર સંવર્ગમાં પણ આંતરિક બદલીઓ કરવામાં આવી છે. ચૂંટણી શાખા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જમીન સંપાદન જેવા મહત્વના વિભાગોમાં નવા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.આ સાથે 2023 બેચના IAS અધિકારી એમ. એપલાપલ્લી સુસ્મિતાની હાલોલથી મહુવા (ભાવનગર) ખાતે પ્રાંત અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે.
GAS કેડરના 23 અધિકારીઓની બદલી
ગુજરાત વહીવટી સેવા (GAS) જુનિયર સ્કેલના 23 અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે. આ અંતર્ગત વિવિધ તાલુકાઓના પ્રાંત અધિકારીઓ, ડેપ્યુટી કલેક્ટરો અને મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનરોની પણ બદલીઓ કરવામાં આવી છે. હિંમતનગર, મોરબી, ખેડા અને નવસારી જેવા મહત્વના વહીવટી મથકો પર નવા અધિકારીઓને નિમણૂક આપવામાં આવી છે.
રાજ્યના 34 જિલ્લાઓ માટે નવા પ્રભારી સચિવ
રાજ્ય સરકાર દ્વારા 34 જિલ્લાઓ માટે ઉચ્ચ IAS અધિકારીઓને પ્રભારી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ અધિકારીઓ જિલ્લા કલેક્ટર સાથે સંકલન કરીને વિકાસકાર્યો તેમજ સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ પર સીધી દેખરેખ રાખશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં અગ્ર સચિવ કક્ષાના અધિકારીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે.