Advertisement

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આવતીકાલથી 300 નવી ST બસો દોડશે, સરકારી કર્મચારીઓને મીટિંગ માટે ગાંધીનગર નહીં બોલાવાય

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આવતીકાલથી 300 નવી ST બસો દોડશે, સરકારી કર્મચારીઓને મીટિંગ માટે ગાંધીનગર નહીં બોલાવાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલ બાદ સરકાર એક્શન મોડમાં; કેબિનેટ બેઠકમાં મંત્રીઓએ કર્યું કાર પુલિંગ, હર્ષ સંઘવીએ કરી મહત્વની જાહેરાતો.


દેશમાં પેટ્રોલ અને ડીઝલની બચત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અપીલનો અમલ કરવા માટે ગુજરાત સરકાર સંપૂર્ણપણે એક્શનમાં આવી ગઈ છે. ગાંધીનગર સચિવાલય ખાતે યોજાયેલી કેબિનેટ બેઠક પહેલાં જ રાજ્યના મંત્રીઓ પર્યાવરણ અને ઊર્જા બચાવવાના સંદેશ સાથે પહોંચ્યા હતા. મંત્રીઓએ પોતાની વ્યક્તિગત સરકારી ગાડીઓ છોડીને કાર પુલિંગ (એક જ ગાડીમાં સાથે પ્રવાસ કરવો) અને ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ કર્યો હતો. ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતાની કાર મૂકીને મંત્રી કૌશિક વેકરિયાની કારમાં બેસીને સચિવાલય આવ્યા હતા, જ્યારે અન્ય મંત્રીઓ પણ ઈલેક્ટ્રીક વાહનોમાં સવાર થઈને આવ્યા હતા.


 નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ પત્રકારો સાથેની વાતચીતમાં જનતા માટે એક ખુશખબર આપતા જણાવ્યું કે, રાજ્યમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ (જાહેર પરિવહન) વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને મજબૂત બનાવવા માટે આવતીકાલથી જ 300 નવી ST બસો રસ્તા પર દોડતી કરી દેવામાં આવશે. આ બસોને લોન્ચ કરવા માટે કોઈ ભવ્ય સરકારી કાર્યક્રમ કે સમારોહ પાછળ સમય અને નાણાંનો બગાડ કરવામાં નહીં આવે, પરંતુ તમામ નવી બસોને ડાયરેક્ટ નિયત સેન્ટરો અને ડેપો પરથી જ સીધી જનતાની સેવામાં કાર્યરત કરી દેવાશે.


 સરકારી કામકાજ અને પ્રવાસમાં થતો પેટ્રોલ-ડીઝલનો મોટો બગાડ અટકાવવા માટે સરકારે વધુ એક મોટો વહીવટી નિર્ણય લીધો છે. હવેથી અન્ય જિલ્લાના સરકારી કર્મચારીઓ કે અધિકારીઓને કોઈપણ સમીક્ષા બેઠક માટે ગાંધીનગર રૂબરૂ બોલાવવામાં આવશે નહીં. હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું કે, હવેથી તમામ સરકારી વિભાગોની મીટિંગો ઓનલાઈન એટલે કે વર્ચ્યુઅલ માધ્યમથી જ કરવાની રહેશે અને આ અંગે તમામ વિભાગના વડાઓને કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ ઉપરાંત સરકારી અધિકારીઓને પણ ઓફિસ આવવા-જવા માટે વધુમાં વધુ કાર પુલિંગનો ઉપયોગ કરવાનો આદેશ અપાયો છે.


નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, પેટ્રોલ-ડીઝલની બચત કરવા માટે વડાપ્રધાન મોદીએ જે અપીલ કરી હતી, તેને ગુજરાતની જનતાએ ખૂબ જ પ્રેમથી સ્વીકારી છે અને મોટું સમર્થન આપ્યું છે. રાજ્ય સરકાર પણ ઈંધણ બચાવવા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે અને તેના જ ભાગરૂપે મંત્રીઓથી લઈને સામાન્ય કર્મચારીઓ સુધી આ નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે, જેથી દેશના સંસાધનોની બચત થઈ શકે.

Advertisement